ભાસ્કર વિશેષ:માંગરોળમાં 5000 શૌચાલય બનાવતું મિહિર સખી મંડળ

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિહિર મહિલા મંડળને ચેક અર્પણ કર્યા હતા. - Divya Bhaskar
મિહિર મહિલા મંડળને ચેક અર્પણ કર્યા હતા.
  • ઘરનો ચૂલો સાચવતી મહિલાઓને સ્વરોજગારી થકી આત્મનિર્ભર બનાવી રહ્યું છે

રાજ્ય સરકારે મહિલાઓના ઉત્કર્ષ અને આર્થિક સશક્તિકરણ માટે મહિલા સ્વસહાય જૂથો સખી મંડળ સ્વરૂપે રચીને તેમને સંગઠિત અને પ્રશિક્ષિત બનાવવા મિશન મંગલમ યોજના અમલી છે. માંગરોળ તાલુકાના સિમોદ્રા ગામમાં કાર્યરત મિહિર સખી મંડળ જૂથની 10 બહેનો આર્થિક બચતના સહારે પગભર બન્યું છે, એટલું જ નહીં, મનરેગા યોજના અંતર્ગત માંગરોળ તાલુકામાં 5000 શૌચાલયનું પણ નિર્માણ કર્યું છે. આ જૂથને પ્રોત્સાહિત કરવા માટે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિન્કેજ અન્વયે તાજેતરમાં માંગરોળના વાંકલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પમાં રૂ. 6 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સિમોદ્રા ગામમાં કાર્યરત મિહિર સખી મંડળના પ્રમુખ મનીષાબહેન વસાવાએ જણાવ્યું કે, અમે 10 બહેનોએ એકઠા થઈને પ્રત્યેક મહિલા દીઠ માસિક 100ની બચત કરીને આર્થિક રીતે પગભર બનવાનો નિર્ધાર કર્યો અને મિહિર સખી મંડળની શરૂઆત કરી હતી. મિશન મંગલમ હેઠળ અમારા સખી મંડળને 6 મહિનામાં રૂા. 5 હજારનું રિવોલ્વીંગ ફંડ મળતા જ જૂથની મહિલાઓનો જુસ્સો વધ્યો હતો.

પ્રથમવાર 50 હજારની કેશ ક્રેડિટ મળતા વિચાર્યું કે ગામજનોને માત્ર ઝેરોક્ષ માટે 5 થી 6 કિ.મી. દૂર જવું પડે છે. જો ગામમાં જ ઝેરોક્ષનું સેન્ટર શરૂ કરવામાં આવે તો તેમની મુશ્કેલીઓ દૂર થશે. એટલે ઝેરોક્ષ મશીન ખરીદી કાર્યરત કરતા અમને રોજગારીની નવી તક મળી અને દર મહિને 5 થી 6 હજારની આવક શરૂ થઈ.

સમયસર લોન ભરપાઇ કરવાથી બીજા વર્ષે નવેસરથી 50,000ની કેશ ક્રેડિટ મળતા લેપટોપ વસાવીને ગ્રામજનોના વિવિધ યોજનાકીય લાભો અપાવવા તેમને યોજનાના ફોર્મ ભરી મદદરૂપ થવા લાગ્યા. ગ્રામજનોને અમારા પ્રયાસોથી સરકારી યોજનાનો લાભ મળવા લાગ્યો અને અમારા સખી મંડળની પ્રવૃત્તિઓને નવો માર્ગ અને વેગ મળ્યો. મનીષાબેને જણાવ્યું કે, મિહિર સખી મંડળની બહેનોને તાલીમબદ્ધ કરીને તેમના મોનિટરીંગ હેઠળ તાલુકામાં મનરેગા યોજના હેઠળ 5000 શૌચાલય બાંધકામની કામગીરી પૂર્ણ કરી છે. મંડળને 2.50 લાખથી વધુની નફો મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...