ગ્રામ યાત્રા:માંડવી તાલુકાને વિક્ષેપ રહિત વીજળી અપાશે: મુકેશ પટેલ

માંડવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરજાખણમાં યોજાયેલા કાર્યક્રમમાં માંડવી તાલુકાને 24 કરોડના વિકાસ કામોની ભેટ

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિ-દિવસીય ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ નું આજ રોજ માંડવી તાલુકાના વરજાખણ ગામે કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને અનેકવિધ યોજનાકીય લાભો અર્પિત કરી સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રાના ત્રણ દિવસમાં માંડવી તાલુકામાં કુલ રૂ.24.50 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું, જે પૈકી આજ રોજ વરજાખણ ગામે કૃષિ મંત્રીના હસ્તે માંડવી તાલુકામાં રૂ. 8.64 કરોડના કામોનું લોકાર્પણ અને ગોદાવાડી ગામ ખાતે કુલ રૂ. 4.79 કરોડના કામોનું ખાતમુહૂર્ત મળી કુલ રૂ.13.43 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે માંડવી તાલુકામાં આગામી 50 વર્ષ સુધી વીજળીની અછત નહિ રહે એવો કોલ આપતાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકાને 50 વર્ષ સુધી અવિરત વિક્ષેપ રહિત વીજળી મળી રહે એ માટે સ્વયં જવાબદારી ઉઠાવશે. ગત બે દિવસમાં માંડવી તાલુકામાં કુલ રૂ.24.50 કરોડના કામોની ભેટ આપવામાં આવી છે. મંત્રીએ રાજ્યના સૌપ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગની જેમ માંડવી તાલુકામાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપક પ્રસાર-પ્રચાર કરી આદિજાતિ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની આશા વ્યક્ત કરી હતી.

સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો મુખ્ય હેતુ નવા વર્ષમાં જરૂરિયાતમંદોને ઘરઆંગણે યોજનાઓ થકી અઢળક લાભોનું વિતરણ કરવાનો છે. સુરત જિલ્લાના ખેડૂતોને ૨૪ કલાક વીજ પુરવઠો પ્રાપ્ત થાય એ સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. વચેટિયાઓને નાબૂદ કરી પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત અઢળક યોજનાઓના નાણાકીય લાભો પારદર્શક રીતે સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચાડયા હોવાનું જણાવી ગુજરાતને વિકાસના નવા આયામો સર કરવાં સરકાર સંકલ્પબદ્ધ હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રોહિતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન વસાવા, અગ્રણીઓ ગીતાબેન પટેલ, પ્રવિણભાઈ ચૌધરી, દિનેશભાઈ પટેલ, અલ્પાબેન પટેલ અને લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...