હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણ માસનું ખૂબ જ ધાર્મિક મહત્વ હોય છે. શ્રાવણ માસમાં શિવપૂજાનું પણ અનન્ય મહાત્મય છે. શિવપૂજામાં બિલીપત્રનું ખૂબ મહત્વ છે. આ બિલીપત્ર દ્વારા શિવિલિંગની પૂજા અર્ચના અંગે વિવિધ કથાઓ સંકળાયેલ છે. શ્રાવણ મહિનામાં સુરત સહિત જિલ્લાના ખ્યાતનામ શિવાલયોમાં ચડાવાતા બિલીપત્રોનો મોટો હિસ્સો માંડવી તાલુકાના ગાઢ જંગલોમાંથી એકત્ર કરવામાં આવે છે. અને બિલીપત્ર એકત્ર કરવાની આ કામગીરી થકી માંડવી તાલુકાના દઢવાડા, ઝરી દઢવાડા, રખસખડી, પીલપવાડા સહિત 6 જેટલા ગામના અનેક પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. માત્ર કાલમોઇ ગામના જ 30 જેટલા પરિવારોએ પોતાની આજીવિકાની આવકમાં વધારો કરી રહ્યાં છે.
માંડવી વનવિભાગના દક્ષિણ રેંજમાં આવેલા વિવિધ વિસ્તારમાં ગીચ જંગલોમાં સુરક્ષિત રહેલા બિલીના વૃક્ષો પરથી શ્રાવણ માસમાં સ્થાનિક લોકો બિલીપત્રો મોટી સંખ્યામાં એકત્રીત કરે છે. જુદાજુદા ઘરના એક બે સભ્યો જંગલાં જઈ મોટા પ્રમાણમાં બિલીપત્રો એકત્રિત કરી ઘરે લાવતા હોય છે. ઘરના સભ્યો એકત્રિત થઈ, 5 પર્ણ, 7 પર્ણ અને 11 પર્ણવાળીને અલગ કરતા હોય છે. જ્યારે અન્ય બીલીપત્રની પાંચ છ ની ઝુડી બનાવી સ્થાનિક વેપારીને આપી દેતા હોય છે. જે આ જથ્થાને સુરત પહોંચાડે છે. ત્યાં મહારાજો કે શિવભક્તો આવી બિલીપત્રોની મોટી સંખ્યામાં ખરીદી કરતાં હોય છે.
માંડવી તાલુકાના વિવિધ વિસ્તારના પશુપાલાન તથા ટૂંકી ખેતી ધરાવતાં પરિવારજનો શ્રાવણ માસમાં બિલીપત્રો એકત્રિત કરી એનું વેચાણ કરી આવકમાં વધારો કરી રહ્યાં છે. આ અંગે માંડવી આરએફઓ ઉપેન્દ્ર રાઉલજીએ જણાવ્યું હતું કે જંગલોમાં બિલીના વૃક્ષોના ઉછેરથી સ્થાનિકોને આવકનો નવો સ્ત્રોત મળ્યો છે.
ગાઢ જંગલમાંથી શોધાય છે ઉચ્ચકક્ષાના બિલીપત્રો
માંડવી દક્ષિણ વનવિભાગના ખોડંબા-2 રાઉન્ડના પરવટ બિટમાં આવેલા કાલમોઈ ગામના 30 જેટલા પરિવારો બિલીપત્ર એકત્રિત કરવાનું કામમાં જોડાય છે. એક પરિવાર દ્વારા આખા દિવસમાં ઓછામાં ઓછા 1000 જેટલી ઝુડી બનાવી સારી એવી આવક મેળવી છે. પશુપાલન- ખેતીકામ સાથે બિલીપત્ર એકત્રિત કરવાનું કામમાં જોડાઈ રોજિંદા ખર્ચ કાઢી લેતા હોય છે.
આ વર્ષે શિવાલયો ખુલતાં માંગમાં વધારો
ગત વર્ષે કોરોનાને કારણે બિલીપત્રની માંગ ઓછી હતી. પરંતુ આ વર્ષે ગાઈડલાઈન સાથે શિવાલયો ખુલતાં માંગમાં વધારો થયો છે.વન્ય સંપત્તિની જાળવણી, સુરક્ષિત રાખવાની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે. બિલીપત્રની આવક અમારા માટે શિવજીના આશીર્વાદરૂપ છે. > નવીનભાઈ ચૌધરી, કાલમોઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.