વાત ગામ ગામની:લોકમાતા અંબિકાના તટે હરીયાળી ચાદરથી લપેટાયેલું મહુવરીયા ગામ

મહુવા2 મહિનો પહેલાલેખક: જયદીપસિંહ પરમાર
  • કૉપી લિંક
  • ગામની એક તરફ નદી અને વચ્ચે નહેર છે

મહુવરીયામાં હરિયાળી અને લીલોતરી જ જોવા મળે એનું પણ એક કારણ છે ગામની બાજુ માંથી અંબિકા નદી પસાર થાય છે.અને મહુવરીયા ગામ વચ્ચેથી ઉકાઈ ડાબાકાઠા નહેર નીકળે છે જે મહુવરીયા ગામ ને બે ભાગ માં વહેચી જાય છે જેથી કરી આ ગામમા લીલોતરી જોવા મળે છે. વિકાસની કેડી પર આગળ ડગલાં ભરતું ગામ મહુવરીયા એ મહુવા તાલુકાનું વધારે વસ્તી ધરાવતું ગામ પૈકીનું એક ગામ છે. મહુવરીયા ગામમાં ઘોડિયા, ચૌધરી, નાયકા, કોટવાળીયા, જાતિના લોકો રહે છે. મહુવરીયાની કુલ વસ્તી 5000 થી વધુ છે. ગામમાં મોટે ભાગના પરિવારો કૃષિ સાથે સંકળાયેલા છે.

કુવા, બોર તેમજ અંબિકા નદી તેમજ ઉકાઈ ડાબા કાંઠા કેનાલનો પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી ખેતીના પાકોનું ઉત્પાદન લઇ રહ્યા છે. શેરડી, ડાંગર તેમજ શાકભાજીને મુખ્ય પાક તરીકે લોકો પસંદ કરી રહ્યા છે. મહિલાઓ પણ પરિવાર માટે રોજગારી ના વિકલ્પ માં પશુપાલન ને મહત્વ આપ્યું છે.ગ્રામજનો દ્વારા ઉત્પાદિત દૂધના પોષાય તેવા ભાવો મળી રહે તે માટે ગ્રામજનો દ્વારા એક સહકારી દૂધ ઉત્પાદક મંડળી મહુવરિયા બનાવવામાં આવી છે.

પરંપરાગત વ્યવસાય સાથે સ્વરોજગારી
મહુવરિયા ગામમાં કોટવાળીયા જાતિના લોકોની વસ્તી છે. આ સમુદાયના લોકો હજી તેમના પરંપરાગત વ્યવસાયને વિસરાયા નથી.વાંસના ઉપયોગથી ટોપલા,ટોપલી સહિત અનેક ચીજવસ્તુઓ બનાવી કળા જોનારને મંત્રમુગ્ધ કરી દે છે.આજના આધુનિક યુગમાં પણ આર્થિક કટોકટીનો સામનો કરી ને પણ તેઓ પરંપરાગત વ્યવસાય અપનાવીને રો જગારી મેળવી રહ્યા છે.

શિક્ષકોનું સન્માન અને વાલી સંમેલન
મહુવરીયા ખાતે જાગૃત ગ્રામજનો દ્વારા શિક્ષણ,પર્યાવરણ,સહકાર સાથેનો ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.મહુવરીયા ગામમાં શિક્ષણ નું પ્રમાણ વધે ,આરોગ્ય સારું રહે,સ્વચ્છ ગામ બને અને સહકારી ગામ બને એ હેતુ થી ગામની તમામ શાળાના શિક્ષકોનું સન્માન સમારોહ અને વાલી સંમેલન કરવામાં આવે છે.

સરદાર ઈ પટેલ આઝાદી ચળવળમાં મહુવરિયા આવ્યા હતા
આઝાદી પૂર્વે જનજાગૃતિ તેમજ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે યોજાતી પરિષદ એટલે રાનીપરજ પરિષદ. રાનીપરજ પરિષદનું ટુકુ ને ટચ બંધારણ ઘડવામાં આવ્યું હતું જેમાં બારડોલી, વાલોડ, વ્યારા, સોનગઢ, મહુવા, માંગરોળ અને માંડવી તાલુકા ઉપરાંત વાસદા રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શુદ્ધ અને શાંતિમય માર્ગે રાની પરજની સર્વાંગી એટલે કે સામાજિક આર્થિક ને નૈતિક ઉન્નતિ કરવી એવું ધ્યેય નક્કી કરવામાં આવ્યું હતું.આ રાનીપરજ પરિષદો સરદાર પટેલના અધ્યક્ષતામાં યોજાતી ત્યારે મહુવરિયા ખાતે યોજાયેલ રાનીપરજ પરિષદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા હતા અને સભા યોજી હતી.આઝાદીની ચળવળ સાથે પણ મહુવરિયા જોડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...