સમગ્ર દુનિયાને બાનમાં લેનાર કોરોના વાઇરસના કારણે ભક્તો પણ જાણે ભગવાનથી દૂર રહ્યા હતા. વર્ષોથી વાર તહેવારે ભરાતા લોકમેળાઓ બંધ કરવામાં આવતા લોકોની ખુશી અને ઉજવણી જ જાણે ફીકી પડી હતી. બે વર્ષમાં કોરોના કાળ બાદ સુરત જિલ્લાના કડોદરા ચારરસ્તા પર આવેલા અંદાજીત 100 વર્ષ જૂના પૌરાણિક અને સમગ્ર દક્ષિણ ગુજરાતનું આસ્થાના કેન્દ્ર ગણી શકાય એવા અકળામુખી હનુમાજી મંદિરના મેદાનમાં ભરાતો લોકમેળો ફરી ધમધમતો થયો હતો.
શ્રાવણ માસના દરેક શનિવારે ભરાતો આ લોકમેળામાં શનિવારે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉંમટયું હતુ. દર્શનાર્થીઓ દૂરદૂરથી પગપાળા અથવા પોતપોતાના વાહનો લઈ પહોંચ્યા હતા. હનુમાનજીના દર્શન કરી મેળાનો આનંદ માણ્યો હતો. અકળામુખી હનુમાનજીની સ્થાનિકોમાં અતૂટ શ્રદ્ધા છે. શ્રાવણ માસના દર શનિવારે અહીં હજારોની સંખ્યામાં પગપાળા દર્શનાર્થી આવે છે તેમજ મેળામાં ભારત ભરના વિવિધ રાજ્યના વેપારીઓ પોતાનો સ્ટોલ મૂકે છે.
11 મુખવાળી હનુમાનજીની મૂર્તિ મળી હતી
માન્યતા અનુસાર વર્ષો પહેલા એક ગાય અહીં આવી જમીન પર આપોઆપ દૂધની ધારા વરસાવતી હતી જે બાદ અહીં ખોદકામ કરાતા 11 મુખવાળી હનુમાનજી મૂર્તિ સ્વરૂપે સ્વયંભૂ બહાર આવ્યા હતા, જે બાદ જેતે સમયે ત્યાં નાનું દેરું બાંધવામાં આવ્યું હતું ને ત્યાર બાદ મંદિર, આજે પણ આ મૂર્તિ તે જ પરિસ્થિતિમાં રાખવામાં આવી છે ફક્ત મંદિરને વખતો વખત જીર્ણોદ્ધાર કરાતા મંદિરનો ગર્ભગૃહ નિચાણમાં આવેલ છે. સ્થાનિકોની મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે દર શનિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.