દેવ સ્થાને દાનવ ત્રાટકયા:બારડોલીની સોસાયટીના 5 ઘરોના તાળા તુટયા, જૈન દેરાસનની બહાર મુકેલ ગલ્લામાંથી ચોરી, ઘટના CCTVમાં કેદ

બારડોલી16 દિવસ પહેલા
  • બીલીમોરા માતા-પિતાને મળવા ગયેલ પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
  • ઉપરના રૂમમાં સુતેલ પરિવારના રૂમનું બારણું બહારથી બંધ કરી નીચેનાં રૂમોમાં સમાન વેરવિખેર કર્યો

બારડોલી તાલુકાના તેન ગામે આવેલ સનસીટી સોસાયટીમાં મોડી રાત્રે 3 તસ્કરો ત્રાટકયા હતા. સોસાયટીના 5 જેટલા ઘરોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. તસ્કરોનાં હાથે કશું ન લાગતા તેઓએ સોસાયટીમાં આવેલ જૈન દેરાસનને ટાર્ગેટ બનાવી દેરાસનની બહાર મુકેલ ભંડારો ઉઠાવી ગયા હતા. સોસાયટીમાં આટા ફેરા મારતા 3 તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.

ઘરો તો ઘરો હવે દેવાલય પણ સુરક્ષિત નથી
બારડોલી પંથકમાં દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. એક તરફ પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ખેતર નજીક તેમજ રેલવે ટ્રેક નજીક આવેલી સોસાયટીઓને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. ગતરોજ મોડી રાત્રે તેન ગામે રેલવે ટ્રેક નજીક આવેલી સનસીટી સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા. અને સોસાયટીમાં આવેલ D- 141, D-72, D-56, D-15 તેમજ E-15 નંબરનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે એકેય ઘરમાં તસ્કરોના હાથે કિંમતી માલ સમાન હાથ લાગ્યું ન હતું. નગરમાં લોકોનાં ઘરો તો ઘરો હવે દેવાલય પણ સુરક્ષિત ન હોઈ તેમ સોસાયટીમાં આવેલ જીનાલયની બહાર મુકવામાં આવેલો ભંડારો તસ્કરો ઉઠાવી ગયા હતા. અને ભંડારાનો એક તરફનો ભાગ તોડી અંદર મુકેલ દાનની રકમ ચોરી ગયા હતા. સોસાયટીમાં આટા ફેરા મારતા 3 તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.

સુતેલ પરિવારના રૂમનું બારણું બંધ કરી નીચેનાં રૂમોમાં સમાન વેરવિખેર કર્યો
D-56 નંબરનાં મકાનમાં રહેતા ભાવેશભાઈ કેવરચંદ શાહ તેઓના પત્ની અને બે બાળકો સાથે રાત્રે ઉપરના માળે આવેલ રૂમમાં સુતા હતા. દરમિયાન તસ્કરોએ ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઉપરના રૂમમાં સુતેલા પરિવારના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. બાદમાં નીચે આવેલ બે રૂમમાં સમાન વેરવિખેર કરી નાખ્યો હતો. જોકે કિંમતી માલ સામાન અને રોકડ ઉપરના રૂમમાં હોવાથી તસ્કરોએ ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. સવારે પરિવારે ઉઠી બારણું ખોલવાનો પ્રયાસ કરતા બારણું બહારથી બંધ હતું. આખર પડોશીઓને ફોન કરી બંધ બારણાને ખોલવા જણાવ્યું હતું.

માતા-પિતાને મળવા ગયેલ પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
​​​​​​​
E-15 નંબરનાં મકાનમાં રહેતા અને મૂળ બીલીમોરાનું પરિવાર ભાવેશ ચંદુભાઈ પટેલ મકાન બંધ કરી માતા-પિતાને મળવા બીલીમોરા ગયો હતો. દરમિયાન તસ્કરોએ બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી માલ સામાન વેરવિખેર કર્યો હતો. જોકે પરિવાર કિંમતી સામાન અને રોકડ સાથે લઈ ગયા હતા. જેથી કશું ચોરી થવા પામ્યું ન હતું.​​​​​​​

અઠવાડિયા પહેલા પણ તસ્કરો આવ્યા હતા
​​​​​​​એક અઠવાડિયા પહેલા ચિરાગભાઈ રાંકાને ત્યાં તસ્કરો ત્રાટકયા હતા. અને બારી ખોલી ઘરમાં પ્રવેશી રહ્યા હતા. દરમિયાન સામે ઘરે રહેતા રામભાઈના માતા જાગી જતા તેઓએ બુમાબુમ કરી લાઈટ ચાલુ કરતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. એક જ અઠવાડિયામાં બે વખત તસ્કરો ત્રાટકતા રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. આજે રાત્રે 8 વાગ્યે રહીશોની પોલીસ સાથે મિટિંગ પણ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...