બારડોલી કડોદ રોડ પર આવેલા પણદા ગામની સીમમાં અકસ્માત ન સર્જાય તે માટે ડિવાઈડર બનાવવામાં આવ્યા હતાં. જે ડિવાઈર રાત્રીના સમયે વાહનચાલકોને નજરે ન પડતાં અકસ્માતના બનાવો બની રહ્યાં છે. જેથી આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટ મુકવા માટે ગામના સભ્યોએ અવાર નવાર રજૂઆતો કરી હતી. આખરે વીજ કંપની દ્વારા લાઈટો મુકવામાં આવતાં હવે અકસ્માતની ઘટના અટકી જશે.
બારડોલી કડોદ રોડ પર આવેલ પણદા ગામની સીમમાં વળાંક વાળો માર્ગ છે. જે વળાંકને કારણે ભૂતકાળમાં સામસામે વાહનો ભટકાવાના બનાવો બન્યા હતાં. ત્યારબાદ આ પણદા ગામની સીમમાં ડિવાઈડર બનાવવામાં આવ્યા હતાં. જે ડિવાઈડર બન્યા બાદ સામસામે વાહનો અથડાવાના અકસ્માત બંધ થયા પરંતુ રાત્રીના સમયે ડિવાઈડર સાથે વાહનો ભટકાવાથી અકસ્માતની વણઝાર શરૂ થઈ હતી. અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. જેમાં ગંભીર ઈજા પહોંચતાં કેટલાક લોકો મોતને પણ ભેટ્યા હતાં. રાત્રીના સમયે ડિવાઈડર ન દેખાતા અકસ્માતનું કારણ બનતું હતું.
જેથી પણદા ગામના અગ્રણી અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આ જગ્યાએ સ્ટ્રીટ લાઈટો મુકવા માટે વીજ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી. આખરે વીજ કંપની દ્વારા આ ગોઝારી જગ્યા પર લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે ગ્રામ પંચાયતના સભ્ય હેમંતભાઈના જણાવ્યા અનુસાર જેથી હવે અકસ્માતની ઘટના બંધ થશે અને રાત્રીના સમયે પસાર થતા વાહનચાલકોને રાહત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.