અઠવાડિયામાં હુમલાની બીજી ઘટના:મહુવામાં વાછરડા પર દીપડાનો હુમલો, પરિવારજનો જાગી જતા વાછરડાને ઘાયલ કરી ભાગી છૂટ્યો

બારડોલી2 દિવસ પહેલા
  • આજ સ્થળે એક અઠવાડિયા પહેલા દીપડાએ મરઘાનો શિકાર કર્યો હતો

મહુવા તાલુકાના શેખપુર ગામે દીપડાએ વાછરડા પર હુમલો કર્યો હતો. જોકે પરિવારજનો વાછરડાનો અવાજ સાંભળી ઉઠી જતા દીપડો ખેતરાડીમાં ભાગી છૂટ્યો હતો. દીપડાના હુમલાથી વાછરડુ ગંભીર રીતે ઘવાયું હતું. આજ સ્થળે એક અઠવાડિયા પહેલા દીપડાએ મરઘાનો શિકાર કર્યો હતો. જે બાબતની જાણ મહુવા વનવિભાગની ટીમને કરવા છતાં પીંજરું મુકવામાં આવ્યું ન હતું. જેને પગલે બીજી વખત આવી ઘટના બનવા પામી છે.

ફરી એક વખત શિકારની શોધમાં દીપડો આવ્યાની ઘટના બની
સુરત જિલ્લાના મહુવા તાલુકાના શેખપુર ગામે વલવાડી ફળિયામાં એક અઠવાડિયામાં બીજી વખત દીપડો શિકારની શોધમાં આવી ચઢ્યાની ઘટના બની છે. એક અઠવાડિયા પહેલા વલવાડી ફળિયામાં રહેતા પશુપાલક જયરામભાઈ રામજીભાઈ પટેલનાં મરઘાનો શિકાર દીપડાએ કર્યો હતો. જે બાબતે ગામના સરપંચ દ્વારા લેખિતમાં મહુવા વનવિભાગની ટીમને જાણ કરી મારણ સાથે પીંજરું મુકવા જણાવવામાં આવ્યું હતું. પીંજરું તો ઠીક વનવિભાગના એકેય કર્મચારી સ્થળ પર પણ આવ્યા ન હતા. જેને પગલે ગતરોજ મોડી રાત્રે તેજ સ્થળે ફરી એક વખત શિકારની શોધમાં દીપડો આવ્યાની ઘટના બની છે.

પશુઓનો અવાજ આવતા પરિવારજનો ઉઠી ગયા
રાત્રે 12 વાગ્યે જયરામભાઈનાં ઘરની બહાર બાંધેલા ઢોર ઢાખર પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા બીજા પશુઓનો અવાજ આવતા પરિવારજનો ઉઠી ગયા હતા. ઘરના બહારની લાઈટ ચાલુ કરતા દીપડો વાછરડાને ગંભીર ઇજાઓ કરી ખેતર વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો. જે ઘટના મામલે પશુપાલક દ્વારા બારડોલીનાં ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટનાં પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા તેઓએ મહુવા વનવિભાગને જાણ કરી હતી. મહુવા વનવિભાગનાં ફોરેસ્ટર કલ્પના ચૌધરીએ આજે સ્થળ પર પીંજરું મુકવા માટે બાંહેધરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...