પર્વ વિશેષ:સુરાલીમાં લક્ષ્મી નામની હાથણની યાદમાં કરાયું ‘લક્ષ્મી વિનાયક’ મંદિરનું નિર્માણ

કડોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ પ્રેમ અને ભક્તિનો ઉત્તમ નમુનો પુરૂ પાડતું સુરાલીનું ગણેશ મંદિર બન્યું હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર

બારડોલી તાલુકાના સુરાલી ગામે આવેલ લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર ભક્તો માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. સુરાલી ગામે એક લક્ષ્મીનામની માદાહાથીનું મોત થતાં ત્યાં સમાધી બનાવી ત્યારબાદ આ સ્થળે ગ્રામજનોએ ફાળો એકત્ર કરીને ગણપતિ બાપાનું મંદિર બનાવ્યું. જે મંદિરનું નામ માદા હાથીના નામ પરથી લક્ષ્મી વિનાયક મંદિર રાખ્યું.

મંદિરના નામમાં ગ્રામજનોનો પશુ પ્રેમ સાથે નારી જાતી પ્રત્યેનો આદર જોવા મળે છે. બારડોલી તાલુકાના સુરાલી ગામે ગણેશજીનું પ્રસિદ્ધ લક્ષ્મી વિનાયક મંદિર આવેલ છે. દક્ષિણ ગુજરાતના ગણેશ ભક્તો દૂરદૂરથી દર્શનાર્થે આવે છે. 43 વર્ષ જૂના મંદિર પાછળ પણ દંત કથા છે.

ઈ.સ1979માં કેટલાક સાધુઓ લક્ષ્મી નામની માદા હાથી લઈ મઢી ગામે આવી રોકાયા હતાં. આ દરમિયાન માદા હાથીનું મઢી ખાતેથી પસાર થતી ભુસાવલ રેલવે લાઈનની ટ્રેન સાથે અકસ્માત થયો હતો. જેમાં પગના ભાગે ઈજાગ્રસ્ત થઈ હતી. માદા હાથી ચાલતી ચાલતી સુરાલી ગામે આવી એક લીમડાના વૃક્ષ નીચે વીસામો લીધો હતો. ઈજાગ્રસ્ત હાથણીની સેવા ચાકરી ગ્રામજનોએ કરી હતી, પરંતુ માદાહાથીનું મોત થયું હતું. ત્યારબાદ ગ્રામજનોએ તેને જેતે સ્થળ પર દફનાવી હતી. માદા હાથીની યાદમાં સમાધી બનાવી હતી.

ત્યારબાદ ગ્રામજનોએ વિચાર કર્યો કે આ જગ્યાએ આપણે એક ગણેશજીના મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો. મંદિર માટે જેતે સમયના યુવાનોએ ફાળો એકત્ર કર્યો. 1981ની સાલમાં મંદિર નિર્માણની કામગીરી શરૂ કરી. માદાહાથીની યાદમાં મંદિરનું નામ લક્ષ્મી વિનાયક ગણેશ મંદિર રાખવામાં આવ્યું હતું. મંદિરના નામ પાછળ ગ્રામજનોનો પશુ પ્રત્યેનો પ્રેમ અને નારી જાતિનું સન્માન જોવા મળે છે. ત્યારથી લઈ અત્યાર સુધી શ્રીજી ભક્તોમાં મંદિર પ્રત્યેની આસ્થા વધી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દૂરદૂરથી અહીં દર્શનાર્થે આવે છે.

હાથણ સાથે સૌની માયા બંધાઇ હતી
લક્ષ્મી વિનાયક મંદિરએ ગામમાં આવેલી એક માદા હાથીની યાદમાં બનાવવામાં આવ્યું છે. ગ્રામજનોએ ઈજાગ્રસ્ત માદાહાથીની સેવા ચાકરી કરી હતી, પરંતુ માદા હાથીનું મોત નીપજ્યું. ગ્રામજનોને હાથી સાથે માયા બંધાઈ ગઈ હતી. જેની યાદમાં લોકફાળો એકત્ર કરી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. > વિઠ્ઠલભાઈ રબારી, સુરાલી આગેવાન

અન્ય સમાચારો પણ છે...