સમસ્યા:બારડોલી પાસપોર્ટ ઓફિસમાં સુવિધાનો અભાવ, ગ્રાહકોને વેઇટિંગમાં બેસવાની વ્યવસ્થા પણ યોગ્ય માત્રામાં નથી

બારડોલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી વિસ્તાર એનઆરઆઈની વધુ વસ્તી ધરાવે છે. આ વિસ્તારના લોકોને પાસપોર્ટ માટે સુરત સુધી ધક્કો ન ખાવો પડે એ હેતુથી 3 વર્ષ અગાઉ પાસપોર્ટ ઓફિસ તો શરૂ કરવામાં આવી પરંતુ ત્રણ વર્ષના સમય વીતવા બાદ પણ પાસપોર્ટ ઓફિસમાં ગ્રાહકો માટે પૂરતી સુવિધા ઉભી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય એમ જણાઈ છે. હાલ પાસપોર્ટ ઓફિસમાં પોતાના પાસપોર્ટ અંગેના કામ અર્થે આવતા લોકોને માટે બેસવાની પણ યોગ્ય સુવિધા નથી 10 થઈ પણ ઓછી સંખ્યામાં લોકો વેઇટિંગમાં બેસવાની વ્યવસ્થા છે, જેથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાસપોર્ટ ઓફિસમાં આવતા લાભાર્થીઓ માટે ખુલ્લામાં ત્રણ બાંકડા ગોઠવી વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. ચોંકાવનારી વાતતો એ છે કે વિઝીટરો માટે વેઇટિંગ વિસ્તારમાં પંખાની પણ સુવિધા નથી સાથે જ સાફ સફાઈનો પણ અભાવ હોવાથી ગ્રાહકોને બેસવાના વિસ્તારમાં જ ગંદકીએ માઝા મૂકી છે. તો ગંદકીના લીધે લોકોએ ગરમીમાં અને દુર્ગંધ સહન કરીને બેસવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિક સાંસદ આ બાબતે યોગ્ય ધ્યાન દોરી લોકોને સુવિધાઓ પુરી કરાવે એવી લોક માંગ ઉઠી છે.

સમય મુજબ કામ ન થતું હોવાની બુમરાણ
પાસપોર્ટ ઓફિસે કામ કરાવવા આવતા ગ્રાહકોને એપોઇનમેન્ટમાં આપેલ સમયથી 2 કલાક વધુ બેસવાની નોબત આવી રહી છે અને કચેરીના અધિકારી ગ્રાહકો પર પોતાનો રુઆબ ઝાડતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હુ તમને કોઈ જવાબ ન આપી શકું
દિવ્ય ભાસ્કરના પ્રતિનિધીએ ઓફિસમાં કામ કેમ મોડું થાય છે અને ગ્રાહકોએ લાંબો સમય બેસવું પડે એવું કચેરીના અધિકારીને પૂછતાં તેમણે ઉદ્ધતાઈથી કહ્યું કે સુરત જાવો ત્યાં પૂછો હું કેન્દ્ર સરકારનો કર્મચારી છું તમારો બંધાયેલો નથી.

અન્ય સમાચારો પણ છે...