કેબિનેટ મંત્રીની સ્થળ મુલાકાત:કામરેજના નેશનલ હાઇવે 48નું નિરીક્ષણ કરી સ્થાનીકોને 72 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવા બાહેધરી આપી

બારડોલી6 દિવસ પહેલા
  • ખાડાઓ મામલે હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓ વિરુદ્ધ પોલીસ મથકે આવેદન

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાના ઉંભેળ ગામે નેશનલ હાઇવે નં.48 પર પડેલા ખાડાઓ મામલે સ્થાનિકો દ્વારા હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓ વિરુદ્ધ પોલીસ મથકે આવેદન આપી રસ્તા રોકુ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આખર મામલો ઉગ્ર બનતા આજે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ઉંભેળની મુલાકાતે પહોંચ્યા હતા. અને અધિકારીઓને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સ્થાનીકોની રજૂઆતો સાંભળી સમસ્યાનું નિરાકરણ 72 કલાકમાં લાવવા બાહેધરી આપવામાં આવી હતી.

ગ્રામજનોએ હાઇવે ઓથોરિટીનાં અધિકારીને આવેદન આપ્યું
અમદાવાદ - મુંબઇ નેશનલ હાઈવે નં.48 પર કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં મસ મોટા ખાડાઓ પડી ગયા છે.જેના કારણે ઘણા સમયથી થતી ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની જવા પામી છે. ઘણા દિવસોથી વરસાદ પણ બંધ થઈ ગયો છે. છતાં હાઇવે ઓથોરિટી અને જવાબદાર એજન્સી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. તેમજ વરસાદ દરમિયાન જ્યાં પુરાણ કરવામાં આવ્યું ત્યાં હવે ધૂળની ડમરીઓ ઉડતા લોકો હેરાન થઈ રહ્યા છે. અનેકો વખત રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખર ગ્રામજનો દ્વારા હાઇવે ઓથોરિટીનાં અધિકારી સૂરજકુમાર સિંઘ તેમજ અન્ય અધિકારીઓ સામે ગુનો નોંધવા કામરેંજ પોલીસ મથકે આવેદન આપ્યું હતું.

આગામી ત્રણ દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું
જો આગામી 5 દિવસમાં કામગીરી નહિ કરાય તો ફરી રસ્તા રોકો આંદોલન કરવા ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી. મામલો ઉગ્ર બન્યો હતો. જેને પગલે રાજ્યના માર્ગ મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ઉંભેળ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રીએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કરી આગામી ત્રણ દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ઉંભેળ નજીક બની રહેલ બ્રિજની બાજુમાં સર્વિસ રોડ કાર્યરત છે. જ્યાં પાકો માર્ગ બનાવવા પણ માંગ કરવામાં આવી હતી.

1200 મીટરનાં માર્ગની જગ્યાએ હવે 600 મીટર માર્ગ પર જ ટ્રાફિકની સમસ્યા રહેશે: પૂર્ણેશ મોદી, કેબિનેટ મંત્રી
કામરેજના ઉંભેળ ગામે નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓનાં કારણે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. ત્યારે આજરોજ સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સ્થળ મુલાકાત લેતા જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા નવા ઓવરબ્રિજની કામગીરી, વરસાદી પાણી તેમજ સ્ટ્રોમ બોક્ષ તૂટી જવાના કારણે સર્જાય છે. હાલ ઓવરબ્રિજ માટે 1200 મીટર રસ્તો વપરાય છે, જ્યારે બ્રિજ માત્ર 600 મીટરનો જ છે. એટલા માટે 600 મીટરનો માર્ગ ખોલી આપવામાં આવશે, જેથી માત્ર 600 મીટર જ ટ્રાફિકની સમસ્યા રહેશે. તો બીજી તરફ 600 મીટરના માર્ગ પર પણ ડામરરોડ કરવા, બેરીકેટ ઉંચા કરવા અને સ્ટ્રોમનું રીપેરીંગ કામ કરવા અધિકારીઓને 72 કલાકમાં કામ પૂર્ણ કરવા કેબિનેટ મંત્રી દ્વારા કડક સૂચન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...