શિયાળાની કકડતી ઠંડીમાં ઓલપાડ તાલુકામાં પેધી પડેલ ચોર ટોળકીના એક સાગરિતને ભાંડુત ગ્રામજનોએ ઝડપી લીધો હતો. પોલીસે તેની ઉલટતપાસ કરતા તેણે જ અન્ય ત્રણ સાગરીતો સાથે અરિયાણા ગામે દાગીનાની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું .
વિગત મુજબ ગત 30 મી ડિસેમ્બરના રોજ ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે ત્રાટલેકા 2 ચોરમાંથી એક ને ગ્રામજનોએ ચોરીના સાધનો સાથે દબોચી ઓલપાડ પોલીસને હવાલે કર્યો હતો, પોલીસ પુુછતાછમાં તેણે તેનું નામ અક્ષય ગુંજલુ અપ્પા (23)ધંધો-કલર કામ, (હાલ રહે. મોરા ટેકરા , હજીરા)જણાવ્યું હતું, પોલીસે કડકાઈથી ઉલટ તપાસ કરતા તેણે કબૂલાત કરી હતી કે, તેણે તેના મિત્ર વનકર કટારા તથા અન્ય બે ઇસમો સાથે મળી એક અઠવાડીયા પહેલા ઓલપાડ તાલુકાના અરીયાણા ગામે પણ એક બંધ ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીનાઓ, સી.સી.ટી.વી.કેમેરાની DVR ની ચોરી કરી હતી, જેથી પીઆઇ એમ.બી.તોમરે તેમના પોલીસ મથકના રેકર્ડની તપાસ કરી હતી. ગત તા.23/12/2022 ના રોજ અરીયાણા ગામે રહેતા ગણપત લખુભાઇ પટેલે ફરીયાદ આપતા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધાયેલો હોવાનું માલુમ પડ્યું હતું.
જેના પગલે પોલીસે આરોપી અક્ષય ગુંજલુ અપ્પાને કોર્ટમાં રજૂ કરી તારીખ ત્રીજી જાન્યુઆરી મંગળવાર સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે, જયારે આરોપીની કબૂલાતના પગલે પોલીસે તેના અન્ય સાગરીતો પૈકી સુરત શહેરમાં રહેતો મુળ દાહોદ જિલ્લાનો ચોર વનકર કટારા સહિત તેના બીજા બે અન્ય સાગરીતોને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.