ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામ નજીકના જંગલમાંથી સુરતના યુવકની લાશ મળી આવવાની ઘટનામાં ફોરેન્સિક પીએમ બાદ યુવકની માથામાં બોથડ પદાર્થ મારીને ઘાતકી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યુ છે. જેમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હત્યા મરણ જનાર યુવકના મિત્ર એજ કરી હોવાની શંકા ફરિયાદી પત્નીએ વ્યક્ત કરી છે. બે દિવસ પહેલા ઉમરપાડાના જંગલમાંથી યુવકની લાશ મળી આવી હતી અને તેની ઓળખ થતાં રિલાયન્સ નગર સાયણ રોડ છાપરાભાઠા સુરતના શૈલેષભાઈ કેશુભાઈ ચૌહાણની હોવાનું બહાર આવ્યું હતું.
પ્રથમ તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ચહેરા ઉપર ઇજાના નિશાનો દેખાતા ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં યુવકની બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી આ ગુના સંદર્ભમાં મરણ જનારની પત્ની વર્ષાબેન શૈલેષભાઈ ચૌહાણ ઘર નંબર 1051 પાર્થ સોસાયટી અમરોલી હાઉસિંગ હનુમાન મંદિર પાસે સુરત દ્વારા ઉમરપાડા પોલીસ મથકમાં હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વર્ષાબેનના પતિ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના દેવમોગરા ખાતે આવેલ મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ આ ઘટના બની હતી તેમના પતિ શૈલેષભાઈ ડેડીયાપાડા નજીકના એક ગામની મહિલા સાથે આડા પ્રેમ સંબંધ ધરાવતા હતા તેમજ પતિના મિત્ર ઘનશ્યામભાઈ કાળુભાઈ સોલંકી પણ આ સંગીતા નામની મહિલા સાથે આડા પ્રેમ સંબંધ ધરાવતા હતા.
જેથી તેમના મિત્ર એજ તેમના પતિની હત્યા કરી હોવાની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં શંકા વ્યક્ત કરી હતી. મરણ જનાર શૈલેષભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની હતા અને સુરતમાં રહી રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. આ હત્યા ની વધુ તપાસ પો.સ.ઇ. એ જે દેસાઈ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.