પાણી વિતરણ:ઉકાઇ ડેમમાંથી રવિપાક માટે 149000 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી અપાશે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘમહેર બાદ ઉકાઇ ડેમ છલોછલ ભરાતા નહીં મારવા પડે પાણી માટે વલખાં
  • ઉનાળું પાક માટે પણ 136000 હેક્ટરમાં સિંચાઈનું પાણી વિતરણ થશે

ચોમાસા દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ 345 ફૂટની સપાટીએ છલોછલ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં 6729.90 એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.

જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય સર્વ મોહનભાઈ ઢોડિયા, ઝંખનાબેન પટેલ, અરવિંદ રાણા ઉપસ્થિત રહ્યા હતા. મળતી વિગતો મુજબ સિંચાઈ વર્તુળની કચેરીના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં 2021-22 દરમિયાન ખરીફ, રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન ઉકાઈ ડેમની ડાંબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા.

મંત્રી પટેલે જણાવ્યું હતું કે, મેધરાજાની અસીમ કૃપાની ઉકાઈ ડેમમાં પુરતી જળરાશીનો સંગ્રહ થયો છે ત્યારે પાણીરૂપી પારસમણીનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડુતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે ખોટી રીતે પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ થાય, કેનાલના તેળ વિસ્તારમાં પાણી પહોચે તે પ્રકારનું આયોજન કરવા પર ભાર મૂકયો હતો.

ડિસેમ્બર-21થી જાન્યુ.-22 દરમિયાન અંદાજે 25 દિવસ દરમિયાન આધુનિક અને મરામતના કામો માટે બંધ રાખવામાં આવનાર હોવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉકાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર એસ.આર.મહાકાલ તથા સિંચાઈના અધિક્ષક ઈજનેર જે.સી.ચૌધરી તથા સિંચાઈ મંડળીઓના પ્રમુખો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિની બેઠક મળી
સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત રવિ પાકની સિઝન માટે 115000 હેકટર તથા ઉકાઈ યોજના હેઠળ 34000 હેકટર મળી કુલ 149000 હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન 105000 હેકટર તથા ઉકાઈ યોજના હેઠળ 31000 હેકટર મળી કુલ 136000 હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સુચીત રોટેશન ધડી કાઢવામાં આવ્યું છે. રવિ, ઉનાળુ પાક માટે પહેલુ, બીજુ, ત્રીજુ અને ચોથા રોટેશન વર્તમાન નવેમ્બર-2021થી લઈ જુન 2021 દરમિયાન ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે 176 દિવસ પાણી વહેવડાવવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

સિંચાઈ વસૂલાત અને પિયાવાની વિગત
એપ્રિલથી સપ્ટેમ્બર-21 સુધીમાં ઉકાઈ-કાકરાપાર યોજનામાં રૂા.485.77 લાખ તથા ઉકાઈ યોજના(વાલોડ)માંથી રૂા.34.44 લાખ મળી 520 લાખના પિયાવાની રકમની વસુલાત કરવામાં આવી છે. જયારે ઉકાઈ કાકરાપારની બિનખેતીમાંથી સપ્ટેમ્બર સુધીમાં 369 કરોડની વસુલાત કરવામાં આવી છે.

નહેરનું રોટેશન આ મુજબ રહેશે
આ ઉપરાંત કાકારાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેર માટે 201 દિવસ પાણી અપાશે. જયારે 96 દિવસ રોટેશન બંધ રહેશે. તેમજ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર 190 દિવસ પાણી અપાશે અને 49 દિવસ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...