ખુલ્લી ગટરમાં 3 વર્ષની બાળકી ખાબકી:કડોદરામાં તંત્રની બેદરકારીનો ભોગ માસુમ બાળકી બની, 100 મીટર દૂર અન્ય ગટરમાંથી લોકોએ બાળકીને બહાર કાઢી

બારડોલી23 દિવસ પહેલા

પલસાણા તાલુકાના કડોદરા ખાતે આર.એન્ડ.બી વિભાગની બેદરકારીનો ભોગ 3 વર્ષીય બાળકી બની હતી. ઘટના કઈક એવી બની હતી કે, 3 વર્ષીય માસુમ બાળકી રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. ગટરમાં પડેલી બાળકીને રાહદારીઓએ આગળ આવેલ અન્ય ગટરમાંથી બહાર કાઢી હતી. સામાન્ય મજૂર પરિવારની દીકરીને 108ની મદદથી તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

100 મીટર આગળથી બાળકી મળી આવી
સુરત જિલ્લાના કડોદરા ખાતે હાલ નેશનલ હાઇવે ઓથોરીથી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કડોદરાથી સુરત રોડ પર આવેલ પ્રિયા મિલ નજીક છેલ્લા ઘણા સમયથી ગટરના ઢાકણો તૂટેલી હાલતમાં હતા. જે જોખમકારક હોઈ છતાં આર એન્ડ બી વિભાગ તેમજ સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી. આખર આ ગટરના ખુલ્લા ઢાકણનો ભોગ એક માસુમ બકળકી બની હતી. રમતા રમતા એક નાનકડી દીકરી ગટરમાં ખાબકી હતી. સામાન્ય મજૂરી કામ કરતા પરિવારની દીકરી ગટરમાં ખાબકતા લોકોએ બુમાબુમ કરી હતી. રાહદારીઓ તેમજ આસપાસમાં હાજર લોકો તાત્કાલિક ગટરમાં ઉતરી ગયા હતા અને બાળકીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. આખર 100 મીટર આગળ આવેલ અન્ય ગટરમાંથી યુવાને બાળકીને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

સાશકોને જાણ થતાં કારોબારી ચેરમેન સ્થળ પર પહોંચ્યા
કડોદરા નગરની મુખ્ય ગટર હોવાના કારણે ગટરમાં ગેસ ઉતપન્ન થયો ન હતો જેને લઈ બાળકીને જાનહાની થઈ ન હતી. પરંતુ 108ની મદદથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટના બાબતે નગર પાલિકાના સાશકોને જાણ થતાં કારોબારી ચેરમેન સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ બાળકીની સ્થિતિ જોઈ ચેરમેનને પાલિકાની કામગીરી બાબતે પ્રશ્નોનો મારો ચલાવી ઝાટકણી કરી હતી.

હું ભાજપનો કાર્યકર છું મારાથી કંઈજ નહીં બોલાય: કારોબારી ચેરમેન
ખુલ્લી ગટરમાં 3 વર્ષીય બાળકી ખાબકી હતી જે ઘટના બાબતે સ્થાનિકોએ કડોદરા નગર પાલિકા કારોબારી ચેરમેન અંકુર દેસાઈને જાણ કરતા અંકુર દેસાઈ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે પાલિકાની નબળી કામગીરી અને અનદેખીને લઈ લોકોએ બળાપો કાઢ્યો હતો. આ ઘટના મામલે અંકુર દેસાઈ સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હું પાર્ટીનો કાર્યકર છું, મારાથી સરકારની કામગીરી સામે કશુ બોલી શકાય તેમ નથી. આર એન્ડ બી વિભાગે અમારો છે, તે વિભાગની વિરુદ્ધમાં હું કઈ રીતે કઇ બોલી શકું કારણકે મારે પક્ષમાં આ મામલે જવાબ આપવો પડશે.

અન્ય સમાચારો પણ છે...