વાદળછાયું વાતાવરણ:બે દિવસમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી વધતા શીતલહેર ગાયબ

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરેબિયન સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરને કારણે સુરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ

સુરત જિલ્લામાં બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 8 ડિગ્રીનો વધારો થતાં શીતલહેર ગાયબ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા વાવાઝોડાની અસરને કારણે સુરત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સાથે સાથે ભેજનું પ્રમાણ વધવાથી સુરત જિલ્લાના તાપમાનમાં વધારો થયો છે. આ પહેલા જોકે, મધ્યરાત્રી અને વહેલી સવારે શીતલહેરનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ બે દિવસ તાપમાનમાં વધતાની સાથે શિયાળા મહોલ અનુભવતો નથી.

છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરત જિલ્લામાં રવિવારે ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. સોમવારનું ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી વધીને 20 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારના રોજ 3 ડિગ્રી વધીને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું.

જેથી એક દિવસમાં શીતલહેર ગાયબ થઈ હતી. રવિવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાતા મહત્તમ તાપમાન 33 ડિગ્રી પર પહોંચ્યું હતું. તેમજ ભેજનું પ્રમાણ 66 ટકા નોંધાયું છે. પવનની ઝડપ 10 કિમી પ્રતિકલાક નોંધાઈ હતી. જોકે, આવનારા બે-ત્રણ દિવસ હજુ તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યા નથી.

વાદળછાયુ વાતાવરણ આવનારા બે ત્રણ દિવસ સુધી રહેવાની શક્યતા
અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમની અસરને કારણે સુરત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે, અને ભેજનું પ્રમાણ વધ્યું છે. જેથી તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. વાદળછાયુ વાતાવરણ આવનારા બે ત્રણ દિવસ સુધી રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યો છે.

ખેડૂતોએ પાક મુજબ દવાનો છંટકાવ કરવો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ (DAMU)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાદ્વારા જણાવ્યા મુજબ વરસાદથી નુકસાની ના થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી. હાલમાં રોપણી કરેલ પાકોમાં વરસાદની શકયતાને ધ્યાનમાં રાખી 2 દિવસ પિયત મલતવી રાખવું અને વરસાદ બાદ જરૂરિયાત મુજબ પિયત આપવી.

ઉપરાંત વરસાદ પછી જો શાકભાજી પાકો પાણીમાં ડૂબ્યાં હોય તો ખેડૂતોને ટ્રાઇકોડમાં અથવા સ્યુડોમોનસ 1 લિટર/ 1 એકર આપવી. શાકભાજી પાકો તથા આંબામાં ચૂસિયાં પ્રકારની જીવાતો જેવીકે મોલોમશી, સફેદમાખી, મધિયાનો ઉપદ્રવ વધવાની શકયતા છે.

જો જીવાતો ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે પહેલા નિયંત્રણ લેવામાં આવે તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરી કાબૂમાં લઈ શકાય. ચૂસિયા પ્રકારની જીવતો માટે થાયોમીયોકઝામ 25 ટકા ડબલ્યુ જી (10 લી. પાણીમાં 4 ગ્રામ) અથવા એસીટામીપ્રીડ 20 ટકા એસપી (10 લી. પાણીમાં 2 ગ્રામ)નો છંટકાવ કરવો.

જિલ્લામાં આગામી 5 દિવસમાં હળવા વરસાદની આગાહી
ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ આગામી 5 દિવસોમાં તા. 14 થી 16 ડિસેમ્બર, 2022 દરમિયાન સુરત જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. લઘુતમ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. તેમજ આકાશ આંશિકઅંશેથી સંપૂર્ણપણે વાદળછાયું અને હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...