બારડોલી તાલુકાના મઢી કરચકા નજીક આવેલ વાત્સલ્ય ધામ કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા અંધશ્રદ્ધાની સાથેસાથે વિદ્યાર્થીનીઓને જૂઠું બોલવાના પાઠ પણ ભણાવી તપાસ માટે આવેલ અધિકારીઓ સમક્ષ ખોટા નિવેદનો આપ્યા હતા.
પરંતુ વિદ્યાર્થીનીઓની વિધિ કરવા માટે આવનાર ભૂવાએ દિવ્ય ભાસ્કર સમક્ષ તેમજ બારડોલી પોલીસ સમક્ષ છાત્રાલયમાં જઈ વિદ્યાર્થીનીઓને દોરા બાંધી વિધિ કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી બારડોલી પોલીસે જાણવા જોગ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. આ ગંભીર બાબતે પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરે તો સંસ્થાના મોટા માથાની પણ આ પ્રકરણમા સંડોવણી બહાર આવવાની શક્યતા છે.
વિદ્યાર્થીનીને તબીબ પાસે લઈ જવાના બદલે ગૃહમાતાએ ભૂવાને બોલાવ્યો
પ્રાપ્ત વિગત મુજબ બારડોલી તાલુકાના મઢી કરચકા નજીક આવેલ વાત્સલ્ય ધામ કન્યા છાત્રાલયમા બીમાર વિદ્યાર્થીનીને તબીબ પાસે લઈ જવાના બદલે ગૃહમાતાએ ભૂવાને બોલાવી પીંછી નંખાવી, દોરા બંધાવી, છાત્રાલયના રૂમમા કંકુના પગલા પડાવી વિધી કરાવી હતી.
વિદ્યાર્થીનીઓને જૂઠુ બોલવાના પાઠ ભણાવી ખોટા નિવેદનો અપાવ્યા
જે ઘટના બાદ તપાસનો રેલો આવતા સંચાલકો દ્વારા શિક્ષણના ધામમા અંધશ્રદ્ધાની સાથે સાથે વિદ્યાર્થીનીઓને જૂઠુ બોલવાના પાઠ ભણાવી ખોટા નિવેદનો અપાવ્યા હતા. આ ગંભીર ઘટનામા છાત્રાલયમાં તપાસ માટે આવનાર આશ્રમશાળા અધિકારી તેમજ આદિજાતિ વિભાગના મદદનિશ કમિશનરે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવાના બદલે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનાર સંચાલકોનો જાણે બચાવ કરતા હોય તેમ જે નિવેદનો આપ્યા તેજ સાચા માની લીધા હતા.
ભૂવાએ વિદ્યાર્થીનીને દોરા બાંધી વિધી કરી હોવાની કબૂલાત કરી
કડક કાર્યવાહી હાથ ધરી ન હતી. જે ઘટના બાદ દિવ્ય ભાસ્કર દ્વારા ભૂવાનુ કરેલ સ્ટિંગ ઓપરેશન સાથેની તમામ હકીકતો સાથેનો અહેવાલ સહતસ્વીર તા-4 માર્ચને શનિવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતે તપાસમા લાગેલ બારડોલી પોલીસે ભૂવાને શોધી કાઢી, પોલીસ મથકે લાવતા જ ભૂવાએ પોલીસ સમક્ષ વાત્સલય ધામ કન્યા છાત્રાલયમા જઈ વિદ્યાર્થીનીને દોરા બાંધી વિધી કરી હોવાની કબૂલાત કરતા છાત્રાલયના સંચાલકોએ અધિકારીઓ સમક્ષ ચલવેલ જુઠાણાની પોલ ખુલ્લી પડી જવા પામી હતી.
તપાસ માટે આવનાર અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા
બારડોલી પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા સમજી ભૂવાના નિવેદન આધારે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાત્સલ્ય ધામ કન્યા છાત્રાલય મઢીના સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓને અંધશ્રદ્ધાની સાથે સાથે જુઠાણાના પાઠ શીખવી ખોટા નિવેદનો અપાવી તપાસ માટે આવનાર અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હતા.
છાત્રાલયના સંચાલકો દ્વારા ચલવેલ જુઠાણાની પોલ ખોલી દીધી
પોલીસ સમક્ષ ભૂવાએ તમામ હકીકતની કબૂલાત કરી છાત્રાલયના સંચાલકો દ્વારા ચલવેલ જુઠાણાની પોલ ખોલી દીધી છે. ત્યારે આ ગંભીર બાબતે આશ્રમશાળા અધિકારી તેમજ આદિજાતિ વિભાગના મદદનિશ કમિશનર કડક વલણ અપનાવી શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધા ફેલાવનાર તમામ વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી તેમને સબક શીખવે એવી માંગ જાગૃત નાગરિકો સેવી રહ્યા છે.
ભૂવાને પોલીસ મથક બોલાવી તપાસ કરાઈ
બારડોલી રૂરલ પોલીસને પૂછતા પોલીસે બારડોલી તાલુકાના ઉવા ગામે રહેતા ભૂવાએ વાત્સલ્ય ધામ છાત્રાલયમા જઈ વિધી કરી હોવાની માહિતી મળતા જ ભૂવાને બારડોલી પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા ભૂવાએ છાત્રાલયમાં જઈ વિદ્યાર્થીની વિધિ કરી દોરા બાંધ્યા હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે જાણવા જોગ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સંચાલકોએ ખોટું કર્યું
સંચાલકોએ છાત્રાલયમા ભૂવાને બોલાવી ખોટુ કર્યું છે. બીમાર વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનું હોય, ભૂવા પાસે નહિ.અને તપાસ દરમિયાન અમારી સમક્ષ ખોટા નિવેદનો આપ્યાનું ખુલ શે તો તેમના વિરુદ્ધ ઉચ્ચ અધિકારીને રિપોર્ટ કરાશે, અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશે. આર.બી.વસાવા, આશ્રમશાળા અધિકારી, સુરત
આ કલમો લાગી શકે
મઢી વાત્સલ્યધામ છાત્રાલયમાં ભૂવો બોલાવી વિધી કરાવી એ નિંદનીય ઘટના છે. આ ઘટનામાં IPC 452, 153AM, 295 A, 506, 503, 383, 120 (ક) (ખ) લાગુ પડતી કલમ હેઠળ સંચાલક, ગૃહમાતા અને ભુવા હેઠળ કાર્યવાહી થઈ શકાય. જયંત પંડ્યા, એડવોકેટ, વિજ્ઞાન જાથા ચેરમેન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.