સહાય યોજનાના કામો ઠપ:સરકાર અને તલાટીઓ વચ્ચેની લડાઇમાં પ્રજાના કામો અટવાયા

બારડોલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
3 દિવસની હડતાળમાં 75 લાખની આવક બંધ - Divya Bhaskar
3 દિવસની હડતાળમાં 75 લાખની આવક બંધ
  • સુરત જિલ્લાના તલાટીઓની હડતાળ ત્રીજે દિવસે પણ યથાવત
  • આવક-જાતિના દાખલા તેમજ વિવિધ સહાય યોજનાના કામો ઠપ

સુરત જિલ્લાની 566 ગ્રામ પંચાયતોના તલાટીઓ પડતર પ્રશ્નોની માગ નહી સંતોષાતા રાજ્ય તલાટી મંડળના આદેશ મુજબ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતાર્યા છે. ત્યારે જિલ્લાના 9 તાલુકાની તમામ ગ્રામપંચાયતોમાંથી મિલકત વેરાની આવતી રોજની અંદાજે 25 લાખ રૂપિયા તેમજ મહેસૂલ વેરા અને વ્યવસાય વેરાની આવક ઠપ થતાં 3 દિવસમાં 1 કરોડથી વધુ રૂપિયાની સરકારી વેરા વસૂલાત અટકી છે. સરકારી તિજોરી પર અસર થઈ છે. સાથે જ ઓનલાઈન કામગીરીથી થતી આવક પણ બંધ થઈ છે.

રાજ્ય ભરના તલાટીઓ પોતાના કામથી અળગા થયા છે. જેને લીધે સ્થાનિકોના પંચાયત કક્ષાના પ્રાથમિક કામો અટકી જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને તલાટીઓની ગેરહાજરીના લીધે સરકારી આવકને પણ નુકશાન થયુ છે. જમીન મહેસૂલી વેરો, મિલકત વેરો, વ્યવસાય વેરો, પંચાયતવેરા ગ્રામ્ય કક્ષાએ પંચાયતમાંથી થતી ઓનલાઈન કામગીરી પણ બંધ થઇ છે.

566 ગ્રામપંચાયતની કુલ 6,18,041 મિલ્કતોનો વેરો રોજના અંદાજીત 25 લાખ રૂપિયા જમા થતો, જે બંધ થયો છે. ઓનલાઈન થતી આવક પણ બંધ થતાં મોટું આર્થિક નુકશાન રાજ્ય સરકારને પણ થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર વહેલી તકે તલાટીઓની હડતાળનો સુખદ અંત લાવે આમજનતાને થઈ રહેલા હાલાકી પણ બંધ થઈ શકે.

આ કામો અટકી જતા લોકોને ભારે હાલાકી
તલાટીઓની હડતાળને પગલે જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેના જરૂરી કારો અટક્યાં જેવા કે આવક-જાતિના દાખલા, પિયતના દાખલા, સીમાંત ખેડૂતના દાખલા, પી.એમ કિસાન યોજના, પાક નુકશાની સર્વે, કૂવા-બોરના દાખલા સાથે જ વિધવા સહાયના ફોર્મ, વૃધ્ધ સહાયના ફોર્મ, અંત્યેષ્ટિ સહાય, પાલક માતા પિતા સહાય, વિકલાંગ સાધાન સહાય, પશુ ધનના આંકડાઓ મેળવવા પશુપાલનને લગતી મિટિંગો, પશુ સહાયને લગતી મિટિંગો વગેરે અનેક જરૂરી કામો અટકી જતાં લોકોને ભારે હાલાકી થઈ રહી છે.

હડતાળને પગલે વેરાની આવક પર બ્રેક
હાલ તલાટીઓની હડતાળને પગલે મિલકત વેરાની જિલ્લાની 20થી 25 લાખ રૂપિયાની આવક અટકી છે. જોકે હડતાળનો અંત આવતા જ બાકી નાણાંની રિકવર થઈ જશે. > ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી સુરત

અન્ય સમાચારો પણ છે...