વાસ્તવિકતા:સુરત-તાપી જિલ્લાની 50% બેઠકો પર મહિલા મતદારો વધુ છતાં પણ ટિકિટ માત્ર 12 % મહિલા ઉમેદવારને જ ફાળવાઇ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સશક્તિકરણના મોટા મોટા બણગા ફૂંકતા રાજકિય પક્ષો મહિલાને પ્રતિનિધિત્વ સોંપવામાં વામણા

આવનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે, ત્યારે સુરત તાપી જિલ્લાની કુલ 8 બેઠકો પર મુખ્ય ત્રણ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલ 24 ઉમેદવાર પૈકી માત્ર 03 બેઠક જ મહિલા ઉમેદવારને ફાળવવામાં આવી છે. આમ દરેક પક્ષો દ્વારા મહિલાને પુરુષ સમોવડી બનાવવાના વાયદા અને મહિલા સશક્તિ કરણના નારા નેપથ્યમાં ધકેલાયા છે એમ કહેવાય તો ખોટું નથી. હાલમાં રાજ્યમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા ભૂતકાળમાં મહિલા સશક્તિ કરણ બાબતે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી.

એજ રીતે કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા પણ વાર તહેવારે ખાસ મહિલા માટેના કાર્યક્રમો આયોજિત થતાં રહે છે અને મહિલાને બરોબરીના હક મળે તે માટે આંદોલન થતાં રહે છે. જોકે હાલમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે અને ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ટિકિટ ફાળવવાની બાબતે મહિલા સાથે ત્રણે મુખ્ય પક્ષો દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. એવું ચિત્ર સામે આવ્યું છે.

સુરત જિલ્લાની ઓલપાડ, કામરેજ, બારડોલી, માંડવી, મહુવા અને માંગરોળ જ્યારે તાપી જિલ્લાની નિઝર અને વ્યારા મળી કુલ આઠ બેઠક પર કોંગ્રેસ બીજેપી અને આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં 24 ઉમેદવાર પૈકી માત્ર 03 જ મહિલાને ટિકિટ ફાળવવામાં આવી છે. જે ટકાવારીની દ્રષ્ટિએ માત્ર 12 % જેટલી જ થાય છે. આમ બંને જિલ્લામાં પુરુષોના પ્રમાણમાં મહિલાની જનસંખ્યા લગભગ સરખી હોવા છતાં ટિકિટ ફાળવણીમાં રાજકીય પાર્ટીના મોવડી મંડળ દ્વારા માત્ર જાતિગત સમીકરણ અને અન્ય પરિબળો જ ધ્યાનમાં રાખી મહિલા ઓને અન્યાય જ કર્યો છે એ હકીકત છે.

8 બેઠકો પર મુખ્ય ત્રણ પક્ષોના 24 ઉમેદવારોમાં મહિલાની સંખ્યા માત્ર 3
તાપી અને સુરત જિલ્લાની આઠ બેઠક પર મળી મુખ્ય ત્રણ પક્ષ તરફથી માત્ર 03 મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બારડોલી બેઠક પરથી પન્ના બહેન પટેલ અને મહુવા બેઠક પરથી હેમાંગીની બહેન ગરાસિયાને ટિકિટ ફાળવી છે. જ્યારે આપ પાર્ટી દ્વારા માંડવી બેઠક પર સાયનાબહેન ગામીતને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સત્તારૂઢ ભાજપ દ્વારા બે જિલ્લાની આઠ બેઠક પૈકીની એક પણ બેઠક પરથી મહિલા ઉમેદવારને ટિકિટ મળી નથી. મહિલા કાર્યકરોને અન્યાય કહી શકાય.

8માંથી 4 બેઠક પર મહિલા મતદારોની સંખ્યા વધારે
બંને જિલ્લામાં જે ચાર બેઠક પર મહિલા મતદાતા ની સંખ્યા વધુ છે એવી બેઠક પર મહિલા મતદાતાની સંખ્યા અને જાતિ ગુણોત્તર પર નજર નાખીએ તો તાપી જિલ્લાના વ્યારા બેઠકમાં 1000 પુરુષ મતદાતાની સામે 1057 મહિલા મતદાતા છે. જ્યારે નિઝર બેઠકના 1000 પુરુષની સામે 1047 મહિલા મતદાતા છે. સુરતની મહુવા બેઠક પર 1000 પુરુષ મતદાતાની સરખામણીએ 1053 મહિલા છે. જ્યારે માંડવી બેઠક પર 1000 પુરુષ મતદાતાની સરખામણીએ 1038 મહિલા મતદાતા નોંધાયા છે.

આદિવાસી વિસ્તારની તમામ મહિલા મતદારો વધુ
સુરત તાપી જિલ્લાની ચાર બેઠક પર મહિલા મતદાતા વધુ છે. તમામ બેઠકો આદિવાસી સમાજ માટેની અનામત બેઠકો છે. જ્યારે બીજી તરફ સામાન્ય બેઠક ગણાતી કામરેજ બેઠક પર 296713 પુરુષના પ્રમાણમાં 249641 સ્ત્રી મતદારો છે. આમ અહીં પુરુષોના પ્રમાણમાં 47072 જેટલા મહિલા મતદાતાની સંખ્યા ઓછી છે.

ક્યા કેટલા મતદારો ?
સુરત અને તાપી જિલ્લાની કુલ આઠમાંથી ચાર બેઠકો પર તો પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે. સુરતની મહુવા બેઠક પર 111718 પુરુષ જ્યારે 117713 મહિલા એટલે કે 5995 મહિલા મતદાતા વધુ છે. જ્યારે માંડવી બેઠક પર 121077 પુરુષ મતદાતાની સામે મહિલા 125658 છે. અહીં 4581 મહિલા મતદાતા વધુ છે. તાપીના વ્યારામાં પુરુષ મતદાતા 108398 છે જ્યારે મહિલા મતદાતા 114600 છે. જેથી અહીં 6202 મહિલા મતદાતા વધુ છે. જ્યારે નિઝર બેઠક પર પુરુષ મતદાતા 137964 જ્યારે મહિલા 144514 છે. અહીં 6550 મહિલા મતદાતા વધુ છે.

અન્ય સમાચારો પણ છે...