વીજ પૂરવઠાને લઈને ગ્રામજનોમાં આક્રોશ:કામરેજ તાલુકાના પાંચ ગામોમાં અપૂરતા વીજ પુરવઠાને લઈ લોકો ભડક્યા, સેવણી ગામે પહોંચેલા જી.ઇ.બીનાં અધિકારીઓનો ગ્રામજનોએ ઘેરાવો કર્યો

બારડોલી22 દિવસ પહેલા
  • સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો પાંચ ગામોની ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી

કામરેજ તાલુકાના સેવણી ગામે જી.ઇ.બીના અધિકારીઓનો ગ્રામજનોએ ઘેરાવો કર્યો હતો. આસપાસના પાંચ ગામોમાં અપૂરતા વીજ પુરવઠાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થળ પર આવેલા વીજ કંપનીના અધિકારીઓને બે દિવસમાં યોગ્ય ઉકેલ લાવવા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જો નિકાલ નહિ લાવવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરી પ્રશ્નોનો મારો ચલાવ્યો
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગામોમાં આવેલ વીજ કંપનીના ફીડરમાં અપૂરતા વીજ પુરવઠાને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે. કામરેજ તાલુકાના સેવણી ગામના સેવણી સબસેન્ટરમાં સમાવિષ્ટ એવા આસ્તા ફીડરના પાંચ જેટલા ગામોમાં છેલ્લા એક મહિનાથી અપૂરતા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેને લઈને ગ્રામજનો સમસ્યાનો ભોગ બની રહ્યા છે. અનેક વખત આ મામલે રજૂઆતો બાદ આજે બુધવારે વીજ કંપનીના અધિકારીઓ સેવણી ગામે પહોંચ્યા હતા. ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરી પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

ગ્રામજનોએ ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી
એક તરફ ચોમાસાની મોસમ ચાલી રહી છે. ત્યારે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ગ્રામજનોએ કરી હતી. સતત બે દિવસથી રાત્રી દરમિયાન પાવર કટ થતા ગ્રામજનોએ અંધારામાં વીજ પુરવઠા વગર રાત્રિ પસાર કરવાની નોબત આવી છે. ત્યારે આવનારા દિવસોમાં આસ્તા ફીડર પર અપૂરતા વીજ પુરવઠાની સમસ્યાનું નિવારણ નહિ આવે તો પાંચ ગામના લોકોએ ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા જી.ઇ.બીના અધિકારીએ બાંહેધરી આપી
આસ્તા ફીડરમાં આવતા જાત ભરથાણા, સેગવા, જોખા, આસ્તા સહિતના પાંચ ગામોમાં આ સમસ્યા સર્જાઇ રહી છે. ઘટના સ્થળ પર આવેલા જી.ઇ.બીના અધિકારીએ ગ્રામજનોનો રોષ પારખી બે દિવસમાં જ સંપૂર્ણ કામગીરી કરી દેવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...