તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના:ભેસુદલામાં ઠેકેદારે લાભાર્થીનું આવાસ બનાવ્યા વિના ખાતામાંથી રૂપિયા ઉપાડી કર્યો ભષ્ટ્રાચાર

બારડોલી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભેસુદલા ગામના લાભાર્થીનું જર્જરીત ઘર. - Divya Bhaskar
ભેસુદલા ગામના લાભાર્થીનું જર્જરીત ઘર.
  • આવાસના લાભાર્થીઓના ખાતા હોવા છતાં, કોન્ટ્રાક્ટર વગ ધરાવતી બેંકમાં નવા ખાતા ખોલાવી રકમ ઉપાડી લેતા હોય છે
  • આવાસના કામો લાભાર્થીઓએ જાતે જ કરવાના હોય છે કોન્ટ્રાકટર પ્રથા નાબૂદ કરાઇ છે : જિલ્લા વિકાસ અધિકારી સુરત

બારડોલી તાલુકાનાં ભેસુદલા ગામે મંજૂર થયેલા પ્રધાન મંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓના આવાસ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે કામ રાખ્યા હતા. જેમાં એક લાભાર્થી અતુલ શંકરભાઇ ચૌધરી (રહે નિશાળ ફળિયું, ભેસુદલા)નું આવાસ, એક વર્ષનો સમય વીતવા છતાં કામ શરૂ કર્યું નથી, જેથી લાભાર્થીએ તાલુકા પંચાયતમાં તપાસ કરતા ચોકાવનારી હકીકત બહાર આવી હતી. કોન્ટ્રાક્ટરે આવાસ માટેના પહેલા હપ્તાના 30,000 રૂપિયા લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થતા જ કામ શરૂ કરવા પહેલા રૂપિયા ઉપાડી લીધા હોવાની જાણકારી મળી હતી. બીજી તરફ પંચાયતના અધિકારીઓએ પણ લાભાર્થીને યોગ્ય જાણકારી આપવાની જગ્યાએ, ખાતામાં પરત પૈસા જમા થઈ જવાના નામે માત્ર આશ્વાશન આપ્યું હતું.

સરકારની ગાઈડલાઈન મુજબ લાભાર્થીનું બેંકમાં ખાતું હોય, બીજુ ખોલવાની જરૂર ન હોવા છતાં કામરેજના ડુંગરા ગામની બેંકમાં ખાતું ખોલાવી કોન્ટ્રાક્ટરે રૂપિયા ચાઉ કરી ગયો છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરના મિલીભગતમાં ભ્રષ્ટાચારનો કારભાર થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીની ગાઈડલાઈન મુજબ આવાસના કામો લાભાર્થીઓ જાતે જ બનાવવાની સૂચના હોવા છતાં, બારડોલી તાલુકા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સૂચનાની અવગણના થઈ છે.

કોન્ટ્રકટર આ રીતે લાભાર્થીઓ સાથે કરે છે ભષ્ટ્રાચાર
આવાસ યોજનામાં સરકારની ગાઈડ લાઇન મુજબ લાભાર્થીઓના બેન્ક ખાતા હોય, તો એ ખાતામાં જ આવાસની સહાય જમા કરી શકે અને ખાતું ન હોય તો, 5 કિમીના અંતરે આવેલી બેંકમાં ખાતું ખોલાવી સહાય જમા કરવાની હોય છે. પરંતુ કોંટ્રાકટરો પોતાની વગ વાળી બેંકોમાં તમામ લાભાર્થીઓના ખાતા ખોલાવી પાસબુક તેમજ એ.ટી.એમ પોતાની પાસે જ રાખી નાણાં લાભાર્થીઓની જાણ બહાર ઉપાડી લેતા હોય છે.

આવાસ બનાવવાની ગાઈડલાઈન, છતાં મેળાપીપણામાં ભષ્ટ્રાચાર
લાભાર્થીનું 1.20 લાખનું આવાસ મંજૂર થયા બાદ લાભાર્થીએ જાતે જ આવાસ બનાવવાનું હોય છે. 3 હપ્તામાં લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવાના હોય છે, જેની દેખરેખ તાલુકા પંચાયતની આઈ.આર.ડી. શાખા તેમજ ટીડીઓની જવાબદારી હોય છે. કોન્ટ્રાકટર પ્રથા ડીડીઓએ નાબૂદ કરી છે. છતાં મોટા ભાગના ગામોમાં કોન્ટ્રાકટરો જ આવાસના કામો કરે છે. જે અંગે અધિકારીઓ જાણતા હોય, છતાં આવાસના કામોમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરી ભષ્ટ્રાચાર આચરવામાં આવતો હોય છે.

આવાસ લાભાર્થીના ખાતામાં તાત્કાલિક ફરી પૈસા જમા કરાવાશે
કોન્ટ્રાકટર દ્વારા ભેસુદલાના લાભાર્થીના ખાતામાંથી આવાસ માટે જમા કરાયેલા પહેલા હપ્તાના 30,000 ઉપાડી લેવાયા છે. જે ફરી તાત્કાલિક સૂચના આપી લાભાર્થીના ખાતામાં જમા કરાશે. જેતે સમયે મટિરિયલ લાભાર્થીના ઘર સુધી પહોંચાડવા માટે રસ્તાની વ્યવસ્થા ન હોવાથી કામ બાકી રહ્યું છે. - નરેશભાઇ, IRD કચેરી અધિકારી, બારડોલી તાલુકા પંચાયત

કોન્ટ્રાક્ટરોને આ કામ માટે મંજૂરી આપી નથી
પ્રધાન મંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓએ જાતે જ આવાસ બનાવવાનું હોય છે કોન્ટ્રાક્ટરોને આ કામ માટે મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં જો આવી ઘટના બની હોય તો હું ઘટના બાબતે તપાસ કરાવી લઇશ. - હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી

અમને ગાડીમાં બેસાડી ખાતું ખોલાવા લઈ ગયા હતા
હું જાતે જ આવાસ બનાવવા માંગતો હતો, પરંતુ અન્ય લાભાર્થીઓએ કહ્યું કે કોન્ટ્રાકટર બનાવશે તો પૈસા જલદી આવશે. ખાતું ખોલ્યા બાદ મહિનાઓ થવા છતાં કામ ન થયું અને હવે ખબર પડી કે ખાતામાંથી 30,000 ઉપાડી ગયા છે. હવે મારુ ઘર બનાવવાનું ક્યારે શરૂ થશે એ કોઈ જણાવતું નથી. - અતુલ ચૌધરી, લાભાર્થી

અન્ય સમાચારો પણ છે...