વિસર્જનને લઈ જાહેરનામું!:બારડોલીમાં ત્રીજી વખત વિસર્જનનો નિર્ણય બદલાયો, નગરની પ્રતિમાનું દરિયામાં અને ગ્રામ્ય વિસ્તારની પ્રતિમાનું તળાવમાં વિસર્જન

બારડોલીએક મહિનો પહેલા

બારડોલીમાં ગણેશ વિસર્જનને લઈ વહીવટી તંત્ર દ્વારા વારંવાર નિર્ણયો બદલવામાં આવે છે. પ્રાંત અધિકારીની આગેવાનીમાં 3 દિવસ પહેલા મળેલી બેઠકમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન દરિયામાં જ કરવા જાહેરાત કરાઈ હતી અને કોઈ પણ કુદરતી સ્ત્રોતમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા પર મનાઈ કરવામાં આવી હતી. જે મિટિંગના બે જ દિવસ બાદ વહિવટી તંત્ર દ્વારા નવું જાહેરનામું જાહેર કરાયું છે. જેમાં બારડોલી નગરની તમામ ગણેશજીની પ્રતિમાઓ દરિયામાં વિસર્જિત કરવા જણાવાયું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોની પ્રતિમાઓ તાલુકાના 12 જેટલા તળાવોમાં વિસર્જન કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

કલેકટરની આગેવાનીમાં પ્રથમ બેઠક મળી
ગત 30મી તારીખના રોજ સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બારડોલી નગરપાલિકા ખાતે બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં બારડોલીમાં ગણેશ વિસર્જનને લઈ જાહેરાત કરાઈ હતી. 9 ફૂટથી નીચી ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાઓ તેન તળાવ ખાતે વિસર્જિત કરવી જ્યારે 9 ફૂટથી ઉપરની ઊંચાઈની પ્રતિમાઓનું સુરત દરિયા કિનારે વિસર્જન કરવા જણાવાયું હતું.

બીજી બેઠક પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળી
કલેકટર દ્વારા તેન ગામના તળાવમાં વિસર્જન કરવાના નિર્ણયને પગલે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન ન કરવા 2 દિવસ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ગત 2જી તારીખે પ્રાંત અધિકારીએ ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક કરી હતી. જે બેઠકમાં પ્રાંત અધિકારીએ તેન ગામના લોકોના વિરોધને ધ્યાનમાં રાખી તળાવમાં વિસર્જન રદ કર્યું હતું. બાદમાં પ્રાંત અધિકારીએ કોઈ પણ કુદરતી સ્ત્રોતમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવા જણાવી દરિયામાં તમામ પ્રતિમાઓ વિસર્જન કરવાની જાહેરાત કરી હતી.

મિટિંગના 1 દિવસ બાદ ફરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
4 દિવસમાં બે વખત નિર્ણય બદલ્યા બાદ ફરી એક વખત વહિવટી તંત્ર દ્વારા નગરના ગણેશજીની પ્રતિમાઓ દરિયામાં અને ગ્રામ્ય વિસ્તારની પ્રતિમાઓ કુદરતી તળાવમાં વિસર્જિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. એક તરફ કુદરતી સ્ત્રોતમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ન કરવાની સરકારની ગાઈડ લાઇન સામે નગરના ગણેશજીની પ્રતિમાઓનાં વિસર્જન માટે દરિયા કિનારે વિસર્જન નક્કી કરાયું છે. તો બીજી પ્રાંત અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા કુદરતી તળાવમાં કરવા હુકમ કરવામાં આવ્યો છે. બારડોલી તાલુકાના 85 ગામો માટે 12 જેટલા તળાવોમાં વિસર્જન કરવા હુકમ કરાયો.

વહેલી સવારથી મીંઢોળા નદીમાં અનેકો ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું. ગણેશજીની પ્રતિમાનું સ્થાપન ઘણા મંડળો દ્વારા પાંચ દિવસ માટે કરવામાં આવે છે. તેમજ ઘણા ઘરોમાં પણ મૂર્તિઓનું સ્થાપન કરાય છે. ત્યારે બારડોલીમાં આજે સવારથી નોમના દિવસે લોકોએ મીંઢોળા નદીના વહેતા પાણીમાં બાપાનું વિસર્જન કર્યું હતું. નગરમાંથી વહેતી મીંઢોળા નદી અનેકો ખેતરાડી વિસ્તારોમાંથી પસાર થાય છે. ત્યારે ગણેશજીની અનેક પ્રતિમાઓનું ગણેશ ભક્તોએ મીંઢોળા નદીમાં જ વિસર્જન કર્યું હતું. કેદારેશ્વર મહાદેવ મંદિર, આશરમાતા મંદિર, નાંદીડા મીંઢોળા પુલના નીચે ખેતરાડી વિસ્તાર સહિતના અનેક સ્થળોએથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું.

અન્ય સમાચારો પણ છે...