તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની નફ્ફટાઇ:બારડોલી તાલુકા પંચાયતમાં અધિકારી રજા પર જતાં કર્મચારીઓને છુટ્ટો દોર, લાભાર્થીઓ અટવાયા

બારડોલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકા પંચાયતની આઈ આર ડી શાખા માં કામ કાજના સમયે કોઈ કર્મચારી હાજર નથી - Divya Bhaskar
બારડોલી તાલુકા પંચાયતની આઈ આર ડી શાખા માં કામ કાજના સમયે કોઈ કર્મચારી હાજર નથી
  • કચેરીઓમાં કોઇ કર્મચારી હાજર જ ન હોવાથી લોકોને કામ અર્થે બેસી રહેવુ પડે છે
  • મહત્વની ગણાતી બાંધકામ ઓફિસ જ બંધ તો આઈ.આર.ડી શાખામાં કર્મચારી જ હાજર નથી

86 ગામ અને 76 ગ્રામપંચાયતો ધરાવતી બારડોલી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી રજા પર હોય, કર્મચારીઓને છૂટો દોર મળતા શુક્રવારે બપોરે ચેમ્બરો ખાલી જોવા મળી હતી. તાલુકાની પ્રજાજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પોતાના કામો કરાવવા આવતા લાભાર્થીઓ રાહ જોઈ બેસવાની ફરજ પડી હતી, જ્યારે અમુક પરત ફરવાની ફરજ પડી હતી.

બારડોલી તાલુકા પંચાયતમાં કામ અર્થે આવેલા લાભાર્થીઓ કર્મચારી ન મળતા બેસી રહ્યા હતા.
બારડોલી તાલુકા પંચાયતમાં કામ અર્થે આવેલા લાભાર્થીઓ કર્મચારી ન મળતા બેસી રહ્યા હતા.

બારડોલી તાલુકા પંચાયતમાં હજુ દિવાળીના વેકેશન જેવો માહોલ હોવાનું શુક્રવારે જણાયું હતું. પ્રધાન મંત્રી આવાસ તેમજ હળપતિ આવાસના કામની માહિતી માટે શુક્રવારના રોજ બપોરના 1 વાગ્યા બાદ લાભાર્થીઓ આવ્યા હતા, પરંતુ 3 વાગ્યા સુધીમાં અમુક ચેમ્બરોમાં કોઈ જવાબદાર અધિકારી જ હાજર ન હોવાની જાણ દિવ્ય ભાસ્કરને થતાં હકીકત જાણવા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ તાલુકા પંચાયત કચેરીએ 3.15 કલાકે પહોંચી વિઝીટ કરતાં તાલુકા વિકાસ અધિકારી રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. પંચાયતની અતિ મહત્વની ગણાતી બાંધકામ શાખાનું બારણું જ બંધ હતુ. આવાસના કામો કરવાની જવાબદારી જે શાખાની છે, એવી આઈ.આર.ડી શાખામાં એક પણ કર્મચારી હાજર ન હતા. પંચાયતની હિશાબી શાખા પણ બંધ હતી. કામ માટે આવેલ લાભાર્થીઓ અધિકારીઓની રાહ જોઈ કલાકો સુધી કામ પતાવ્યા વિના પરત જવાની ફરજ પડી હતી. જેને લઈ તાલુકા પંચાયતના વહીવટ સામે લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પંચાયતના કોઈ પદાધિકારીઓ પણ શુક્રવારે લાભાર્થીઓની મદદે આવ્યા ન હોવાનું જાણવા મળેલ છે.

બાંધકામ શાખાની કામગીરી
તા.પ.ની અતિ મહત્વની ગણાતી બાંધકામ શાખામાં દરેક ગામાં વિકાસના કામો થતાં હોય છે. જે કચેરીમાં તાલુકાનાં ગામોના સરપંચ, તલાટીઑ પોતાના ગામના વિકાસના કામો અંગેની માહિતીઓની આપ લે કરવા આવતા હોય છે. સાથે જ વિકાસના કામ કરવા માટે એજન્સીઓની પણ અવર જવર રહે છે. ત્યારે મહત્વની કચેરીના બારણા જ બંધ જોવા મળ્યા હતા.

આઈ.આર.ડી શાખાની કામગીરી
તાલુકા પંચાયતની આઈ આર ડી શાખામાં બારડોલી તાલુકાનાં 86 ગામોના ગરીબ લાભાર્થીઓના આવાસના કામો થતાં હોય છે. સાથેજ એનઆરજી યોજનાના લાભાર્થીઓની વિગત અને કામના ચૂકવણા પણ આ શાખામાથી થતાં હોવા છતાં, કચેરીના ચાલુ કામકાજના સમયે કોઈ કર્મચારી હાજર જોવા મળ્યા ન હતા.

હિસાબી શાખાની કામગીરી
હિશાબી શાખામાં તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓથી લઈ આંગણવાડી વર્કરો સહિતના કર્મચારીઓના પગાર આ શાખામાં થાય છે. ઉપરાંત બાંધકામ શાખામાથી થતાં વિકાસના કામોના બિલોના ચૂકવાણા અહીંથી થતાં હોય છે. આ કચેરી પણ બારડોલી તાલુકા પંચાયત કચેરીમાં હિસાબી શાખા બંધ જોવા મળી હતી.

આસિ. TDO તાલીમમાં
તાલુકા વિકાસ અધિકારી રજા પર ગયા છે અને આસિસ્ટન્ટ ટી.ડી.ઓ તાલીમમાં હોવાથી હાજર નથી. જ્યારે બાંધકામના અ.મ.ઇ.(એસઓ) પણ રજા પર ગયા હોવાથી કચેરીમાં કોઈ મળ્યું ન હોય એવું બની શકે. જોકે આ બાબતે હું પંચાયતમાં તપાસ કરાવી લઉં છુ. - દેવુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ, બારડોલી

અન્ય સમાચારો પણ છે...