બારડોલીના મીંઢોળા પુલ પરથી પસાર થતી સ્વીફ્ટ કારમાં અચાનક એન્જીનના ભાગે આગ લાગી હતી. જેમાં કારમાં સવાર દંપતી અને 7 માસના બાળકનો આબાદ બચાવ થવા પામ્યો છે. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, સુરતના ઉન પાટિયા ખાતે રહેતાં રિઝવાનભાઈ શાહ મહંમદ તેઓના ભાઈ યાર મહંમદ અને ભાભી નગીના અને 6 મહિનાના ભત્રીજાને લઈ હોસ્પિટલ બતાવવા માટે કારમાં સવાર થઈ બારડોલી આવવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન બારડોલીના મીંઢોળા નદીના પુલ પર કારનાં આગળના ભાગેથી અચાનક ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને કારમાં સવાર પરિવાર સમય સુચકતાથી કારમાંથી ઉતરી જતા કોઈ જાનહાની થઈ ન હતી. તો બીજી તરફ કારના એન્જિનના ભાગેથી નીકળતો ધુમાડો આગમાં પરિવર્તિત થયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોત જોતામાં આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.