બારડોલી તાલુકાના ઇસરોલી ગામની સીમમાં આવેલ શ્યામ સીટી સોસાયટીમાં રહેતા પોલીસકર્મીનાં પત્ની ઇસરોલી ગ્રામ પંચાયત પર કામ અર્થે ગયા હતા. બાદ ઘરે પરત ફરતા સમયે મહુવા તરફથી પૂરઝડપે આવતા એક ટેમ્પોએ મહિલાને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ સાથે મહિલાને સારવાર માટે દાખલ કરાઇ હતી.
મહિલાને માથા અને કમરના ભાગે ભારે ઈજાઓ પહોંચી
બારડોલી તાલુકાના ઇસરોલી ગામે આવેલા શ્યામ સીટી બંગ્લોઝ વસાહતમાં રહેતા પોલીસ કર્મચારી હિંમતસિંહ બારીયાના પત્ની સુધાબેન બારીયા (ઉં.વ.42) બપોરના સમયે પોતાના એકટીવા મોપેડ ઉપર સવાર થઈ ઇસરોલી ગ્રામ પંચાયત કચેરી મુકામે કામકાજ અર્થે ગયા હતા. કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેવા સમયે મહુવા તરફથી બારડોલી તરફ ગેલ્વેનાઈઝ પાઈપ ભરી આવતા એક પીક અપ ટેમ્પો નંબર GJ-21-W-7601ના ચાલક રિતેશ બાબુભાઈ પટેલ રહે. દેગામ, તા. ચીખલી, જી. નવસારીએ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી પોતાના માર્ગમાં આગળ ચાલતી એક્ટીવા પર સવાર મહિલાને અડફેટે લીધી હતી. જે સર્જાયેલા અકસ્માતમાં મહિલાને માથા અને કમરના ભાગે ભારે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની હાલ સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન બારડોલી પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.