રશિયા-યુક્રેન યુદ્ધની અસર:સોનું અને ચાંદીમાં 3000 હજાર વધ્યા, તો ખાદ્યતેલ પણ થયું મોંઘું

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ સોનું ઘરેણાં બનાવવામાં જવેલર્સ ઉપયોગ કરતા હોય છે. - Divya Bhaskar
આ સોનું ઘરેણાં બનાવવામાં જવેલર્સ ઉપયોગ કરતા હોય છે.
  • પામ ઉત્પાદનો પર અસર, તહેવારો પર રસોઈ મોંઘી બનશે
  • બારડોલીમાં દસ દિવસમાં 22 કેરેટ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો વધારો નોંધાયો

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની અસર હવે ભારતના બજાર પર પણ જોવા મળી રહી છે, જેની ખાસ અસર જ્વેલર્સ અને ખાદ્યતેલ માર્કેટમાં જોવા મળે છે. સોનું અને ચાંદીમાં 3 હજારનો ઉછાડો થયો છે. આગામી દિવસોમાં પણ બંને દેશો વચ્ચે આ પ્રકારનો મુકાબલો ચાલશે, તો મોંઘવારીનો દર હજુ વધવાની શક્યતાને નકારી શકાય નહીં.

બારડોલીના વેપારીઓના મતે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક સપ્તાહમાં ખાદ્ય તેલના ડબ્બે 180થી 240 સુધીનો ભાવ વધારો થયો છે. મગફળી તેલનો 15 કિલોનો ભાવ 2420 હતો. હાલ 2650 પર પહોંચી ગયો છે. કપાસિયા તેલનો 2400 ભાવ હતો, જે 2600 રૂપિયા અને મકાઈ તેલ 2410 હતો, જે 2610 પર પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં હોળીનો તહેવાર નજીક હોય જેથી તેલના ભાવ હજુ વધવાની શકયતા જણાવી હતી. જો આ સ્થિતિનું નિર્માણ થાય તો, ગૃહિણીઓનું બજેટને માઠી અસર થશે.

હાલ નજીકના દિવસોમાં લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. તે પહેલાં સોનાના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેની સીધી અસર માર્કેટમાં જોવા મળી રહી છે. છેલ્લા પંદર દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં 3000 રૂપિયાથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. અગાઉ સોનાનો ભાવ 49700 રૂપિયા જેટલો હતો, જે 2 માર્ચના રોજ 53000 પર પહોંચ્યો છે.

ચાંદીના ભાવમાં પણ 3000નો ઉછાળો છે . 10 દિવસ પહેલા ચાંદી 65000 રૂપિયે કિલો હતું જે આજે 68000 રૂપિયે કિલો પહોંચી ગયું છે. નિષ્ણાતોના મત મુજબ યુદ્ધની સ્થિતિ વણસે નહિ, તો ભાવ વધશે. આ ભાવ વધારાને કારણે જવેલર્સનો વેપારમાં અઠવાડિયામાં જ 20 થી 30 ટકાનો વેચાણમાં ઘટાડો થયો હોવાનું જવેલર્સ જણાવી રહ્યા છે.

પામ ઓઇલમાં મોટો ઉછાળો
તેલ વેપારીનું માનવું છે કે પામની બનાવટો મોંઘી છે. આ કારણોસર કિંમતો વધી રહી છે. આ સ્થિતિ ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે. પામોલિન તેલનો ડબ્બો 1500 હતા, તે વધીને 2500 થઈ ગયા છે.

તેલના ભાવમાં છેલ્લા 15 દિવસથી ઉછાળો
બારડોલીના તેલ વેપારી પ્રતિકભાઈ શાહના જણાવ્યા મુજબ આ વખતે તેલના ભાવ લાંબા સમયથી લગભગ સ્થિર રહ્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસથી ભાવમાં ઉછાળો આવ્યો છે. રશિયા યુક્રેનની યુદ્ધની અસર કહી શકાય.

સોના-ચાંદીમાં 2 હજાર રૂપિયા સુધી વધારો
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ સોના-ચાંદીના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. ભાવ વધવાને કારણે માર્કેટમાં વેપાર ઓછો થયો છે. લગ્ન સીઝનમાં અસર જોવા મળશે. યુદ્ધ લંબાશે તો હજુ ભાવ વધશે. 22 કેરેટ સોનાના ભાવમાં 2 હજાર જેટલો વધારો થયો છે. > મંથનભાઈ સોની, જવેલર્સ, બારડોલી

છેલ્લા 10 દિવસનો ભાવ

તારીખસોનુંચાંદી
21 ફેબ્રુઆરી4630065000
22 ફેબ્રુઆરી4660065000
23 ફેબ્રુઆરી4630065000
24 ફેબ્રુઆરી4710068000
25 ફેબ્રુઆરી4750068000
26 ફેબ્રુઆરી4650068000
27 ફેબ્રુઆરી4650068000
28 ફેબ્રુઆરી4650068000
01 માર્ચ4680068000
02 માર્ચ4720068000

(નોંધ | 22 કેરેટ સોનાનો 10 ગ્રામ અને ચાંદી 1 કિલોનો ભાવ)

અન્ય સમાચારો પણ છે...