ભાસ્કરના સ્ટિંગમાં ભૂવાએ કબૂલ્યું:મે છાત્રાલયમાં જઇને છાત્રોને પીંછી નાંખી દોરા-ધાગા બાંધ્યા હતા

બારડોલી22 દિવસ પહેલાલેખક: જયદીપસિંહ પરમાર
  • કૉપી લિંક
  • મઢી છાત્રાલયના સંચાલકોનો પોકળ દાવો , કહ્યું અમે તો શિવરાત્રી નિમિત્તે દોરા બંધાવ્યા

બારડોલી તાલુકાના મઢી ગામે વાત્સલ્ય ધામ કન્યા છાત્રાલયમાં થોડા દિવસ પહેલા રાત્રીના સમયે એક વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી ધમાલ કરતાં ગૃહમાતાએ ભૂવો બોલાવી વિદ્યાર્થિનીને પીછી નંખાવી વિધી કરાવી, 140 જેટલી વિદ્યાર્થિનીને દોરા બંધાવ્યા હતાં. જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ અધિકારીઓ આશ્રમ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં ગૃહમાતા અને સંચાલકોએ જણાવ્યું હતુ કે તેમણે શિવરાત્રી નિમિત્તે વિદ્યાર્થીને દોરા-ધાગા બંધાવ્યા હતા. પરંતુ ભાસ્કરના સ્ટિંગમાં ભૂવાએ કબૂલ્યું હતુ કે તેણે જ છાત્રાલયમાં જઇ છાત્રોને દોરાધાગા બાંધ્યા હતા.

ઢોંગી ભૂવા કહ્યું આને તો ભૂતનો પડછાયો છે
દિવ્ય ભાસ્કરે આ પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવા માટે પહેલા જ ભૂવાનું સ્ટીંગ ઓપરેશન કરી તમામ હકીકતો જાણી લીધી હતી. જેમાં દિવ્યભાસ્કર પ્રતિનિધિ પહેલા પોતાને વળગણ હોવાનું જણાવી, હું રાત્રે ચોકીને ઉઠી જાઉં છુ, બૂમાબૂમ કરી ધમાલ કરું છું એવુ ઘરવાળા જણાવે છે. જેથી હું આપની પાસે આવ્યો છું. ત્યારે ભૂવાએ અગરબત્તી સળગાવી મંત્રો બોલી પ્રતિનિધિને જણાવ્યું હતું કે, આ ભાઈને બહારનું છે (ભૂતનો પડછાયો) છે. ત્યારબાદ લીંબુ પર કંકુ લગાવી માથા પર મુકી ચપ્પુથી કાપી વિધી શરૂ કરી હતી. આ દરમિયાન ભૂવા સાથે વાર્તાલાપમાં વાત્સલ્ય ધામ છાત્રાલયની વાત શરૂ કરતા તેણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મઢી વાત્સલ્યધામ કન્યા છાત્રાલયમાં એક છોકરી રાત્રે ચોકીને ધમાલ કરી હતી. ત્યારબાદ મને બોલાવ્યો હતો. ત્યાં જઈ તે છોકરીને પણ બહારનું હોવાનું જાણવા મળેલ હતુું અને છાત્રાલયમાં રહેતી અન્ય છોકરીઓ ઘરે જવાની જીદ કરતી હતી. જેથી છોકરીને પીછી નાંખી વિધી કરી હતી, અને અન્ય 140 જેટલી છોકરીને પણ હાથે દોરા બાંધ્યા હતાં. તેમજ તમામ છાત્રાના રૂમમાં પગલાં પાડ્યા હોવાનું કબૂલ્યું હતું.

બીજી તરફ અહેવાલ બાદ છાત્રાલય સામે તપાસનો ધમધમાટ શરૂ
મઢી વાત્સલ્યધામ કન્યા છાત્રાલયની સ્થળ તપાસ કરી નિવેદન લેવામાં આવ્યા છે. જેમાં સંચાલકો અને ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓએ શિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા કરી દોરા બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. નિવેદન બાદ આગળની તપાસ હાથ ધરાશે. - આર. બી. વસાવા , આશ્રમશાળા અધિકારી

શિક્ષણમંત્રીએ ઘટના નિંદનીય ગણાવી, કહ્યું તપાસ તો થશે જ
શિક્ષણમંત્રીએ ઘટના નિંદનીય ગણાવી, જ્યારે આદિજાતિ મત્રીએ ગાંધીનગર હોવાથી વાતથી અજાણ હોવાનું જણાવ્યું આ ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયાને પૂછતાં જણાવ્યું હતું કે ઘટના નિંદનીય છે. અમારા વિભાગમાં આવતું ન હોવા છતાં શિક્ષણ અધિકારીને જાણ કરી યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે. જ્યારે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિને આ બાબતેે સાંજે ટેલીફોનીક પૂછતાં તેમણે હાલ ગાંધીનગર હોવાથી આ પ્રકરણ અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

છાત્રાલયમાં અંધશ્રદ્ધાની સાથે સાથે જુઠુ બોલવાના પાઠ પણ ભણાવાયા
મઢી વાત્સલ્યધામ કન્યા છાત્રાલયના ગૃહમાતા પુષ્પાબહેનને વિદ્યાર્થિનીઓને ભૂવા પાસે દોરા બંંધાવી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપ્યું હતું. તેની સાથે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ બાદ તપાસનો રેલો આવતા વિદ્યાર્થિનીઓના નિવેદન લેવામાં આવ્યા હતાં. જેમાં સંચાલકો અને ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓને અગાઉથી શિવરાત્રી નિમિત્તે દોરા બાંધ્યા હોવાનું ખોટુ નિવેદન અધિકારીઓ સમક્ષ અપાવ્યું હતું. છાત્રાલયમાં અંધશ્રદ્ધાની સાથે સાથે ખોટું બોલવાના પાઠ પણ ભણાવવામાં આવ્યું હોવાનું જેના પરથી પ્રતિત થયું છે.

અન્ય સમાચારો પણ છે...