ઓલપાડના તાલુકાના કુડસદ ગામના મૂળ વતની અને છેલ્લા 35 વર્ષથી લંડન સ્થિત હેકનીમાં રહેતો ગરાસિયા પરિવાર આજે તેમની 25 વર્ષીય દીકરીની વિશિષ્ટ સિદ્ધિ બદલ ખરા અર્થમાં અભિનંદનનો અધિકારી બન્યો છે. 25 વર્ષીય દીકરી હુમેરા ગરાસિયાને હેકનીમાં સ્પીકર પદ મળતા ગરાસિયા મુસ્લિમ પરિવાર સાથે દેશનું નામ કરતા ગૌરવની લાગણી સમાજ મહેસુસ કરી રહ્યા છે.ઓલપાડ તાલુકાના કુડસદના મૂળ વતની રફીકભાઈ ગરાસિયા પરિવાર સાથે છેલ્લા 35 વર્ષથી લંડન સ્થિત હેકની શહેરમાં રહે છે, જેઓને પાંચ સંતાનો પેકી હુમેરા ગરાસિયા ત્રીજા નંબરની દીકરી છે. પિતા રફીકભાઈ ગરાસિયા વર્ષોથી લંડનમાં રહી વેર હાઉસ વર્કર તરીકે ખૂબ સ્ટ્રગલ કરી બધા સંતાનોને સારું ભણતર પૂરું પાડ્યું.
માતા નજમાબેન પિતા રફીકભાઈની વિશેષ કાળજી વચ્ચે નાનપણથી તેજસ્વી હુમેરાએ બી.એ (ગ્રેજ્યુએશન) પોલિટિક્સનો અભ્યાસ કર્યો અને 2018માં લંડનના હેકની કાઉન્સિલમાંથી ઉમેદવારી નોંધાવી કાઉન્સિલર તરીકે વિજેતા બન્યા બાદ 2022માં ફરી કાઉન્સિલર બની અને ત્યારબાદ હાલ 25 વર્ષની ઉંમરમાં મ્યુન્સીપલ કાઉન્સિલર સ્પીકર મેડમ પદે ચૂંટાઈ આવતા ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હેકની કાઉન્સિલમાં 57 જેટલા કાઉન્સિલરોમાંથી હુમેરાનું ચૂંટાઈ આવવુંએ ગરાસિયા મુસ્લિમ પરિવાર, ગામ અને દેશ માટે ગૌરવ પ્રદ પ્રસંગ કહી શકાય.હુમેરા લંડનમાં સહુથી નાની વયની સિવિક મેયર પદે ચૂંટાઈ આવી છે. ત્યારે લંડનથી થોડા દિવસ માટે ભારત આવેલ હુમેરા અને પરિવારનું કુડસદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ આગેવાનો અને ગામ આગેવાનોએ હુમેરાની પ્રતિભાને બિરદાવી હતી અને ગૌરવની લાગણી અનુભવી હતી.
મારા સ્થાનેથી બેસ્ટ કરીશ
દિવ્યભાસ્કર સાથે વાત કરતા હુમેરા ગરાસિયાએ જણાવ્યું કે 2018 અને ત્યારબાદ હાલમાં 2022માં હેકનીમાં હું કાઉન્સિલર બની છું. હાલમાં સિવિક મેયર(સ્પીકર)ની ચૂંટણી થઈ હતી, જેમાં 57 કાઉન્સિલર પેકી મારી જીત થતાં સિવિક મેયર(સ્પીકર)તરીકે નિમણૂક થઈ છે. હું ખૂબ ગર્વ અનુભવું છું મારા સ્થાનેથી હું બેસ્ટ કરીશ. -હુમેરા ગરાસિયા, સિવિક મેયર (સ્પીકર)-હેકની લંડન, યુકે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.