વેરો શરુ કરવા માગણી:બારડોલીના હળપતિ સમાજનો પ્રાંત કચેરી ખાતે હલ્લાબોલ; સરકારી જમીન પર બનાવેલા ઘરોનો આકરણી કરી વેરો શરૂ કરવા માગ

બારડોલી22 દિવસ પહેલા

બારડોલી નગરમાં વર્ષોથી વસવાટ કરતા હળપતિ સમાજના લોકોએ નગર પાલિકા અને પ્રાંત કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું. આ જ્ઞાતિના લોકોના ઘરની જમીન હજુ પણ સરકારના નામે ચાલી આવેલ છે. એવા તમામ ઘરોની આકરણી કરી વેરો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હળપતિ સમાજના લોકો એકત્ર થઈ નગર પાલિકા ખાતે ચીફ ઓફિસરને અને પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

વિવિધ વેરા લેવાય છે તો આકરણી કેમ નથી થતી- રહીશો
સુરત જિલ્લાના બારડોલી નગર પાલિકા ખાતે આજે મોટી સંખ્યામાં નગરમાં વર્ષોથી વસવાટ કરતા કેટલાક પરિવારો પહોંચ્યા હતા. બારડોલી નગરમાં વસતા હળપતિ, ચૌધરી અને ધોડિયા સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયાં હતાં. અને પાલિકા ખાતે હલ્લાબોલ કર્યું હતું. તેઓની માંગ મુજબ વસવાટ કરતા વિસ્તારોમાં વીજ કનેકશન , નળ કનેકશન સાથે પાણીનો વેરો પણ નગર પાલિકા દ્વારા લેવાય છે છતાં મકાનોની આકરણી થતી નથી. જેને કારણે સરકારી લાભોથી આવા પરિવારો વંચિત રહેતા આજે તેઓમાં રોષ જોવા મળ્યો હતો. બારડોલી નગરમાં ધોડિયા , હળપતિ તેમજ ચૌધરી સમાજના લોકો જ્યાં રહે છે. એ જગ્યાએ સરકાર દ્વારા પ્લોટની ફાળવણી કરાઈ હતી. સરકારી યોજના હેઠળ મકાનોના લાભો આપવા માંગ કરવામાં આવી હતી. તેમજ તમામના કાચા પાકા મકાનોની આકારણી કરવામાં માટે માંગ કરી આવેદન પણ આપવામાં આવ્યું હતું.

સરકારી જમીનો પર વસવાટ કરતા રહીશોનાં ઘરોની આકરણી નહિ થાય : અધિકારી, નગર પાલિકા
બારડોલી નગર પાલિકાના અધિકારી પંકજ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યા હતું કે સરકાર દ્વારા સને 2005માં જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ સરકારી જમીન કે પછી ખરાબાની જમીનો પર વસવાટ કરતા રહીશોનાં ઘરની આકરણી નિયમ મુજબ થતી નથી. જેથી ઘર વેરો આવતો ન હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...