ફાગણ સુદ પૂનમ હોળીના દિવસે સોમવારના રોજ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા માવઠુ થયુ હતુ. પલસાણા તાલુકાના વરેલી ગામે હરીપુરા જતા રોડ પર આવેલી રાધાપુરમ રેસીડેન્સીની બહાર આવેલ માર્કેટમાં શાળાએથી બસમાં આવતા બાળકોને લેવા માટે મહિલાઓ તેમજ અન્ય લોકટોળુ ઉભું હતી તે દરમિયાન શેડ પડતા બે વ્યકિતને ઇજા થઇ હતી.
વરેલીમાં માવઠાના પવનના કારણે ભારે ભરખમ પતરાનો શેડ પડતા મહિલા સહિત બેને ઇજા
પલસાણા | સોમવારના રોજ બપોરના સમયે પલસાણા તાલુકાના વરેલી ગામે હરીપુરા જતા રોડ પર આવેલી રાધાપુરમ રેસીડેન્સીની બહાર આવેલ માર્કેટમાં શાળાએથી બસમાં આવતા બાળકોને લેવા મહિલાઓ ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ટોળું પતરાના શેડમાં ઉભા હતા. દરમિયાન ભારે પવન ફૂંકાતા અંદાજીત 30 ફુટનો લોખંડનો શેડ અચાનક પડી જતા રાધાપુરમમાં રહેતી મહિલા અને વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાને ખભાના ભાગે ફેક્ચર, જ્યારે વૃદ્ધને માથાના ભાગે વાગી પડતા ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
રૂવા ભરમપોરમાં કાચા મકાનની દીવાલ ધરાશાય, વીજળી પડતાં નારિયેળીમાં આગ
કડોદ | બારડોલી તાલુકાના રૂવા ભરમપોર ખાતે પવનના સૂસવાટાને કારણે દૂધીબહેનના ઘરના પતરા ઉડી ગયા હતાં. આ દરમિયાન તેમની ઘરની દીવાલને નુકસાન થયું હતું. આ ઉપરાંત રૂવા ગામના શૈલેશભાઈ મોહનભાઈ હળપતિના ઘરના વાડાના ભાગમાં આવેલ નારિયેળીના ઝાડ પર વીજળી પડી હતી. જેના કારણે નારિયેળીના ઝાડમાં આગ લાગી હતી. દુધીબહેનના ઘરની દીવાલ મંગળવારના રોજ ધરાશય થઈ ગઈ હતી. ઘટના અંગે ડે.સરપંચ પરેશભાઈ માહ્યવંશીના જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
કમોસમી વરસાદથી ઓલપાડ તાલુકાનાં દરિયા કિનારાનાં ગામોને અસર
ઓલપાડ | સોમવારે કમોસમી માવઠાની સાથે ફુંકાયેલા ભારે પવનને પગલે ઓલપાડ કાંઠા વિસ્તારના ગામોમાં અસર જોવા મળી હતી. ભારે પવને જુદાજુદા ગામોમાં કાચા ઘરોનાં છાપરા ઉડી ગયા હતા, જ્યારે ડભારી ગામે હનુમાન ટેકરી મંદિર ફળિયામાં જગદીશભાઈ પટેલના પતરાવાળા ઘરની પાછળ તાડનું ઝાડ ઘર પર તુટી પડતા રસોડામાં કામ કરી રહેલા તેમના પત્ની મધુબેન જગદીશભાઈ પટેલ ને ઈજા થઈ હતી. જેનાં પગલે તેઓને સારવાર માટે PHC દીહેણ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જયાં તેમને મેડિકલ ઓફિસર ડો. હેમાક્ષીબેનના નિરીક્ષણ હેઠળ જ્યા જરૂરી સારવાર આપવામાં આવી હતી. તાડનું ઝાડ પડવાથી સિમેન્ટના પતરાનો કચ્ચરઘાણ વળી ગયો હતો જેથી તેમને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.