ગત ઓક્ટોબર મહિનામાં કામરેજના ઘલા ખાતે આવેલા કેસ્તીલો ફાર્મહાઉસમાં સસરાને પાર્ટી કરવા બોલાવી જમાઈએજ મિત્રો સાથે મળી સસરાની હત્યા કરી હતી. 38 લાખ ભરેલી બેગ લઈ જમાઈ અને 2 મિત્રો ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારા બંને મિત્રોને ઝડપી પાડ્યા હતા. જ્યારે જમાઈ છેલ્લા 2 મહિનાથી ભાગેડુ હતો. જે હત્યારા જમાઈની જીલ્લા એસ.ઓ.જી પોલીસે કામરેજના દાદા ભગવાનના મંદિર નજીકથી અટક કરી છે.
કામરેજ તાલુકાના ઘલા ગામ પાસે આવેલા કેસ્તીલો ફાર્મહાઉસના બંગલા નંબર 5માં જમાઈ મયુર પોપટ રાદડીયાએ તેના મિત્ર સાગર રૂડકીયા તથા કિશોર ઈસાલમિયાંની મદદથી તેના સસરા દસરથ ગજમલભાઈ મૌરાલેને મોઢાના ભાગે ઓશિકુ દબાવી હત્યા કરી નાખી હતી અને મૃતદેહની ઓળખ ન થાય તે માટે અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી વહેતી કેનાલમાં ફેકી દઈ મૃતદેહને સગેવગે કર્યો હતો. બાદમાં હત્યારો જમાઈ અને 2 મિત્રો 38 લાખ લઈ ફરાર થઈ ગયા હતા.
સુરત જીલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જમાઈને સાથ સહકાર આપનાર 2 મિત્રો સાગર અને કિશોરની પોલીસે અટકાયત કરી લીધી હતી. જ્યારે હત્યારો જમાઈ છેલ્લા 2 મહિનાથી વોન્ટેડ હતો. દરમિયાન સુરત જીલ્લા એસ.ઓ.જી શાખાના અ.હે.કો ગિરિરાજસિંહ અશોકસિંહ તથા હે.કો રણછોડ કાબાભાઈનાઓને બાતમી મળી હતી. કે સસરાની હત્યા કરનાર ભાગેડુ હત્યારો જમાઈ મયુર રાદડીયા કામરેજના દાદાભગવાન મંદિરથી નનસાડ જતા રોડ ઉપર ઉભો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે હત્યારા જમાઈની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જમાઈએ જણાવ્યું હતું કે, સસરા તેના લગ્ન જીવનમાં દખલગીરી કરતા હતા. તેના કારણે આરોપીને તેની પત્ની સાથે મનદુખ રહેતુ હતું. જેથી સસરાની હત્યા કરવાનો જમાઈએ તેના 2 મિત્રો સાથે પ્લાન બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.