ભાસ્કર વિશેષ:રાજપૂરા લૂંભાના હળપતિ સમાજને વર્ષોથી આવાસ માટે જમીન ન ફાળવતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

કડોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદીવાસી સમાજ પાસે ઘર બનાવવા માટે જગ્યા નથી, ઘરમાં ખીચોખીચ રહેવું પડે છે

બારડોલી તાલુકાના રાજપુરા લૂંભા ગામના ગરીબ ભૂમિહીન ખેતમજૂર આદિવાસી હળપતિ સમાજના નાગરિકોને ઘર બાંધવા માટે જમીન નથી, જે અંગે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ દિશામાં કોઈ કામગીરી ન કરતાં આખરે રાજપુરા લૂંભા ગામના આદિવાસી ખેતમજૂર હળપતિ સમાજે વિધાનસભા 2022ની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી અરજી બારડોલી મામલતદારને આપી છે.

બારડોલી તાલુકાના રાજપુરા લૂંભા ગ્રામ પંચાયત જ્યારથી અમલમાં આવી ત્યારથી મોટા પ્રમાણમાં ગામતળ માટે જમીન ફાળવી હતી. જ્યારે ભૂમીહિન આદિવાસી ખેતમજૂરોના આવસ માટે નામ માત્રની જમીન ફાળવી હતી. ગામમાં 300 કુટુંબમાં 1200 વ્યક્તિની વસતી છે. વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા ગામમાં સરકારી જગ્યા પર આવાસો બનાવી આપ્યા હતાં. ગામમાં આવાસ બનાવવા જમીન જ નથી. અનેક રજૂઆત બાદ પણ રાજ્ય સરકારે દ્વારા કોઈ જમીન ફાળવી નથી.

જેથી આદિવાસી સમાજના લોકો માટે ઘર ક્યાં બનાવવા એ અંગે પ્રશ્ન ભૂતકાળમાં ઊભો હતો. જે અંગે અગાઉ ગામના આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ માત્ર વચનો આપી જતા રહે છે, કોઈ ઠોસ કાર્યવાહી કરતાં નથી. ગત બે વિધાનસભામાં આ અંગે રજૂઆત કરી હોવા છતાં હજુ જમીન ફાળવી નથી. જેથી વિધાનસભા 2022ની ચૂંટણીમાં મતદાનનો રાજપુરા લૂંભા ગામના આદિવાસી સમાજ દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જે અંગેની રજૂઆત બારડોલી મામલતદારને કરી છે.

ગ્રામજનોએ જમીન માટે આ માગ કરી
આદિવાસી હળપતિઓને ઘર બનાવવા માટે જમીનની જરૂર છે તો સરકાર ખાનગી જમીન ખરીદી હળપતિ સમાજને ઘર બનાવવા માટે જગ્યા ફાળવે એ જરૂરી છે. અથવા તો આજુબાજુના ગામની જમીન નીમ કરી આદિવાસીઓને આવાસ માટે ફાળવવામાં આવે જેથી આદિવાસીઓ ત્યાં આવાસ બનાવી પોતાનું જીવન ગુજારી શકે.

અન્ય સમાચારો પણ છે...