શુભેચ્છાઓ:સિથાણ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિનની ઉમળકાભેર ઉજવણી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સીથાણ પ્રા. શાળાનો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. 14-4-1923 નાં રોજ સ્થપાયેલી આ શાળા 99 વર્ષ પૂર્ણ કરી 100માં વર્ષમાં પગરવ માંડી રહી છે. શાળાનાં ઉપશિક્ષક હર્ષદભાઈ ચૌધરીએ શાળાનો સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાળા ગામનું ઘરેણું છે. આચાર્યા કરિશ્માબેન પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળામાં ભણે એ અપેક્ષિત છે.

બાળકોને તેમની ઇતર પ્રવૃત્તિઓને બિરદાવીને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતાં. ઉપરાંત બાળકોને તિથિભોજન પણ આપવામાં આવ્યું હતું. ગામનાં સરપંચ, વડીલો, વાલીજનો, એસએમસી સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સીઆરસી કો-ઓર્ડીનેટર રાકેશ પટેલ તથા દાતાઓ સહભાગી થયા હતાં. બીઆરસી કો-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલ તથા ઓલપાડ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બળદેવ પટેલે શાળાનાં સ્થાપના દિન નિમિત્તે બાળકો, શિક્ષકો તથા વાલીજનોને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...