બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામે ગટરનું તેમજ પેવરબ્લોકના વિકાસના કામો ગ્રામજનોની સુવિધા માટે કરવામાં આવ્યા હતા, જે ઠેકાદારે હલકી ગુણવત્તાનું કામ કરતાં ગટરનું ઢાંકણ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયું છે. તો પેવરબ્લોક પણ ગટર લાઇનમાં પડી ગયા હોવાથી કોઈ ગંભીર અકસ્માત થવાની શક્યતા જણાઈ રહી છે.
ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય સુખારી માટે વિકાસના કામો કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, જે વિકાસના કામો કરતી એજન્સી રૂપિયા વધુ કમાવાની લાલચે હલકી કક્ષાનું મટિરિયલ વાપરી કામ પૂર્ણ કરી રૂપિયા ઉઠાવી લેતા હોય છે અને ગામના લોકોને સુવિધા તો દૂર પણ વધુ હાલાકીમાં મૂકે છે.
એવો જ એક કિસ્સો બારડોલીના ઉમરાખ ગામે રહેણાંક વિસ્તારમાં બનાવેલી ગટર લાઇન અને પેવરબ્લોકમાં જોવા મળ્યો છે. ગટરનું ઢાંકણ છેલ્લાં ઘણા સમયથી તૂટી ગયું છે. તો ગટર લાઇન ઉપર જ કરાયેલા પેવરબ્લોકમાં પણ તૂટેલા ગટરના ઢાંકણના લીધે ભૂવો પડ્યો હોય એવી સ્થિતિ થઈ છે.
ત્યારે પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓએ આવા તકલાદી કામ કરતી એજન્સી સામે લાલ આંખ કરે અને વહેલી તકે તૂટેલા ગટરના ઢાંકણ તેમજ પેવરબ્લોકની મરામત કરાવી લોકોને પડતી મુસીબત દૂર કરે એવી લોક માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.