દુઘર્ટના:કીકવાડ પાસે કન્ટેનર સામેના ટ્રેક પર જઇ ટ્રકમાં ભટકાતાં આગ: 3નો બચાવ,1 કેબીનમાં જ ભડથું

બારડોલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
કન્ટેઇનરની કેબિનમાં ફસાયેલો 1 યુવક આગમાં ભડથું થયો હતો. જેના મૃતદેહને આગ પર કાબૂ મેળવાયા બાદ ભારે જહેમતે બહાર કઢાયો હતો. - Divya Bhaskar
કન્ટેઇનરની કેબિનમાં ફસાયેલો 1 યુવક આગમાં ભડથું થયો હતો. જેના મૃતદેહને આગ પર કાબૂ મેળવાયા બાદ ભારે જહેમતે બહાર કઢાયો હતો.
  • હાઇવેના કટમાંથી અચાનક નીકળેલી બાઇકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો

બારડોલી તાલુકાના નવી કીકવાડની સીમમાં હાઇવે પર બાઇકચાલકને બચાવવા જતા માર્બલ ભરેલું કન્ટેનર સામેના ટ્રેક પર પહોંચી ટ્રક સાથે અથડાયું હતું. જે બાદ થોડી ક્ષણોમાં જ આગ લાગી જતા, સ્થાનિક લોકો તાત્કાલિક જીવના જોખમે 3 ને બચાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક યુવક ફસાઈ જતા અંદર જ ભડથું થઈ ગયો હતો. આગના કારણે બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી હતી. ફાયરની ટીમ સ્થળ પર આવી આગ કાબુમાં લીધા બાદ વાહન વ્યવહાર બે કલાકે શરૂ શક્યો હતો.

ગુરુવારે સાંજે એક ટ્રક નંબર RJ 04 GB 6852 માર્બલ ભરેલી વ્યારા તરફ સુરત ધૂલીયા નેહાનં.53 પર બારડોલીના નવી કીકવાડની સીમમાં કટ નજીક પસાર થઇ રહી હતી. અચાનક એક મોટર સાયકલ ચાલક આવી જતા ચાલકે બચાવવા જતા ટ્રક ભરેલી હોવાથી બ્રેક કરવા છતાં કટમાંથી સામેના ટ્રેક પર જઈ, વ્યારા તરફથી બારડોલી તરફ આવતી ખાંડ ભરેલી ટ્રક સાથે ધડાકા સાથે અથડાતા અકસ્માત થયો હતો. ક્ષણવારમાં જ બન્ને ટ્રકના કેબિનમાં આગ લાગી હતી.

જોકે, પાસે જ ગામનું બસ સ્ટેન્ડ હોય, સ્થાનિક દુકાનદાર સહિત રહીશો દોડી ગયા હતા, અને 2 ને બહાર કાઢ્યા હતા, જ્યારે એક ફસાય ગયો હોય, દોરડું બાંધી, પતરું ખેંચી બહાર કાઢવામાં આવ્યો હતો, બચાવેલ ત્રણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે માર્બલ ભરેલી ટ્રકમાં સવાર એક યુવક અંદર જ આગમાં ભડથું થઈ ગયો હતો. આગની જાણ ફાયરને કરતા, બારડોલી પાલિકાના ફાયર અધિકારી પી બી ગઢવી ટીમ સાથે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો છંટકાવ કર્યો હતો. બારડોલીના પી.આઈ. પી.વી.પટેલ પણ સ્ટાફ સાથે પહોંચી કાયદો વ્યવસ્થા સાંભળ્યો હતો. બન્ને ટ્રેક પર લગભગ 2 કલાક વાહનોની કતાર રહી હતી. આગ કાબુમાં આવ્યા બાદ વાહનોની અવર જ્વર શરૂ કરી હતી.

2 ઇજાગ્રસ્તને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા હતા. જેના નામ જાણી શક્યા નથી, જ્યારે માર્બલ ટ્રકનો ચાલક રજાક લખાન અલીસર બારડોલી સરદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાથે ક્લીનર રહીમ શમા હોવાનું ચાલકે જણાવેલ છે. જોકે ભડથું થયેલ યુવક ક્લીનર છે, કે અન્ય જે અંગે રાત્રે લખાય ત્યાં સુધી પોલીસ પુષ્ટિ મેળવી શકી ન હતી. પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ફર્સ્ટ પર્સન : સ્પાર્ક થતાં બંને વાહનો સળગ્યા
હું દુકાનમાં હાજર હતો, એક મોટરસાયકલ ચાલક અચાનક કટમાંથી આવી જતા, તેને બચાવવા માર્બલ ભરેલી ટ્રકના ચાલકે બીજા ટ્રેક પર આવી જતા અકસ્માત થયો હતો. સ્પાર્ક થતાં જ તરત જ આગ લાગી ગઈ હોવાથી અમો અન્ય સ્થાનિક યુવકોની મદદથી તરત દોડી જઇ બંને ટ્રકમાંથી 2 ને બહાર કાઢ્યા હતા, જ્યારે એક ફસાઇ ગયો હોય, દુકાનમાંથી દોરડું લાવી પતરું બાંધીને ખેંચીને ફટાફટ બહાર કાઢ્યો હતો. 3 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડયા હતા, મારી પત્નીએ ઇજાગ્રસ્તોને કશુ નહી થાય માટે માનતા પણ માની છે. > નરેશ પટેલ, દુકાનદાર, સ્થાનિક

કાર પણ પાછળ ભટકાઈ, સદનસીબે કોઈને ઇજા નહીં
માર્બલ ભરેલી ટ્રક સામેના ટ્રેક પર આવી, ખાંડ ભરેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો, ત્યારે વ્યારા તરફથી બારડોલી તરફ આવતી કાર નંબર Gj 26 n 5261 ખાંડ ભરેલી ટ્રકની પાછળ હોય, ટ્રકે અચાનક બ્રેક મારતા કાર પણ ટ્રક પાછળ ભટકાઈ હતી . સદનસીબે કારમાં સવાર કોઈને ઇજા થઇ ન હતી. ટ્રકમાં આગ લાગી હોય, કારને બચાવવા દોરડું બાંધી પાછળ તાત્કાલિક ખેંચી આગથી બચાવી હતી.

ટ્રકમાં ભરેલી ખાંડ ઓગળતા રોડ ચીકણો થયો,મુશ્કેલી વધી
અકસ્માત થયેલ એક ટ્રકમાં ખાંડ ભરેલી હોય, આગના કારણે પીગળી રસ્તા પર વહેતા માર્ગ પણ ચીકણો બની જતા, લોકોને મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત અકસ્માતને લઇ બંને ટ્રેક પર વાહનોની લાંબી કતાર લાગતા હાલાકી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...