હાલાકી:પાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરાનો નિકાલ 3 માસથી બંધ, ગેટ સુધી પહોંચી ગયા ઢગલા

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડી એજન્સી પાસે કામ બંધ કરાવ્યા બાદ બારડોલી પાલિકા દ્વારા નવાને કામ ન સોંપાતા હાલાકી
  • નાંદીડા ડમ્પિંગ સાઇટ પર રોજ 32 ટન કચરાની આવક સામે નિકાલ ઝીરો રહેતા મુશ્કેલી
  • અહીં રોજ ઠલવાય છે 2 પાલિકા અને 3 પંચાયતનો કચરો

બારડોલી નગરપાલિકાનો નાંદીડા ડમ્પિંગ સાઈડમાં, કચરાનું પ્રોસેસ કરતી એજન્સીએ કૌભાંડ આચરતા, શાસકોએ એજન્સીને તાત્કાલિક કામ બંધ કરાવી, બ્લેકલીસ્ટ કરી હતી. છેલ્લા 3 માસથી કચરાનું પ્રોસેસિંગ કામ બંધ થતાં કચરાના ખડકલા લાગ્યા છે. પાલિકાના શાસકો કૌભાંડ બહાર લાવી સારી કામગીરી કરી, પરંતુ ત્યારબાદ કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા સમયસર શરૂ કરાવવામાં શાસકો નિષ્ક્રિય રહ્યા છે. પરિણામે હાલ કચરાનો ઢગલા ગેટ સુધી પહોંચી ગયો છે.

રોજના 30 ટનથી વધુ કચરાની આવકથી ડુંગરો બની રહેતા, ફરી આગ લાગવાની ઘટના બની શકે. આવા સંજોગમાં ડમ્પિંગ સાઇડ નજીકના ગામ અને સોસાયટીઓના રહીશોના આરોગ્ય સામે જોખમ ઉભુ થવાની શંકા સેવાઈ રહી છે.નંદીડાના કચરાના પ્લાન્ટ પર હજારો ટન કચરાનું પ્રોસેસિંગ માટે રોજના 300 ટન પ્રોસેસ કરવાનો પ્લાન્ટ એજન્સીએ મુક્યો હતો. જાન્યુઆરીથી શરૂ કરેલ પ્લાન્ટ જૂન સુધી કચરાનું પ્રોસેસિંગ કરી અંદાજીત 60 હજાર ટન કચરાનું પ્રોસેસ કર્યું હોવાનું એજન્સીએ મુકેલ બિલ આધારે જાણવા મળ્યું હતું.

પરંતુ આ પ્રોસેસિંગમાં બીલમાં ગોટાળો હોવાની શાસકોને ગંધ આવતા, તપાસ કરાવી હતી, જેમાં 30 લાખનો ગોટાળો હોવાનું રહસ્ય ખુલ્યું હતું. પાલિકાના શાસકોએ તાત્કાલિક એજન્સી પાસે વધારાના રૂપિયા ભરાવી, બાદમાં એજન્સી પાસે કામ બંધ કરાવી, એજન્સીને બ્લેક લીસ્ટમાં મૂકી હતી. જોકે ત્યારબાદ અંદાજીત 3 માસથી વધુ સમય થઈ ગયો છે. કચરાનું પ્રોસેસિંગ બંધ હોવાથી, રોજના પાલિકા અને ગ્રામપંચાયતનો 30 ટન કચરો ભેગો થઈ રહ્યો છે.

શાસકોએ કચરા કૌભાંડ બહાર લાવી, વધારાના રૂપિયા પણ જમા કરાવી સારી કામગીરી કરી છે, પરંતુ રોજના આવતા કચરાનો નિકાલનો પ્રશ્ન બાબતે સમયસર સુવિધા કરવા બાબતે શાસકો નિષ્ક્રિય જણાયા છે. ઘણો સમય પસાર થઈ ગયો હોવાથી ડમ્પિંગ સાઈડમાં કચરાના ડુંગર બની રહ્યા છે. છેક ગેટ સુધી ઢગલો આવી ગયો છે. ભૂતકાળમાં પણ કચરાનું પ્રોસેસિંગ બંધ હતું, ત્યારે થોડા થોડા દિવસે કચરામાં આગ લાગવાની ઘટના થતી હતી. આગ લાગતા જ ધુમાડાના ગોટા નજીકના ગામ અને સોસાયટીઓમાં આવતા દુર્ગંધ અને અકળામણ સહન સ્થાનિકો કરતા ફરિયાદ ઉઠી હતી.

લેખિતમાં ફરિયાદ પણ થઈ હતી. ત્યારબાદ કચરાનું પ્રોસેસ કરવાની એજન્સીને કામ સોંપતા જ આગ લાગવાની ઘટના બંધ થઈ ગઈ હતી. ડમ્પિંગ સાઇડ નજીકના રહેણાંક વિસ્તારના સ્થાનિક લોકોમાં રાહત થઈ હતી. હાલ ફરી કચરાના ઢગલાઓ થતા, ફરી આગ જેવી ઘટના બનવાની શંકા સેવાઈ રહી છે. આવા સંજોગમાં ધુમાડાથી લોકોના આરોગ્ય પર માથી અસર થવાનો ભય ફરી સતાવવા લાગ્યો હોવાનું જાણવા મળેલ છે. પાલિકાના સાશકો કચરાના નિકાલ માટે બને એટલી વહેલી સુવિધા શરૂ કરાવે એવી માંગ ઉઠી છે.

કચરો સળગે ત્યારે ઘર છોડી ભાગવું પડે
તેન ગામની ચાણક્યપુરી સોસાયટી ડમ્પિંગ સાઈડની નજીક હોય, માત્ર નદી જ વચ્ચે હોવાથી કચરામાં આગની ઘટના બને તો, એક સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ ધુમાળાની અકળામણ તીવ્ર હોવાથી ઘર બંધ કરીને પોતાના ગામ પણ જવાની ફરજ પડી છે.

કામ સોંપવા ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે
ડમપિંગ સાઈડનો કચરાનો નિકાલ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે, જેથી ફરી કચરાનું પ્રોસેસિંગની કામ શરૂ થઈ જશે. હાલ સાઇડ પર જરૂરી દેખરેખ રાખવામાં આવી રહી છે. > રાજેશ ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર, બારડોલી નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...