કામરેજ તાલુકાનાં ઉંભેળ ગામે ખાડીમાં દૂષિત પાણી છોડવામાં આવતા ફરિયાદ ઉઠવા પામી છે. ખાડીમાં લાલ રંગનું કેમીકલ યુક્ત પાણી છોડાય છે. જે સીધું તળાવમાં ભળતા જળસંપત્તિ, ખેતીની જમીનોની ફળદ્રુપતા અને પશુઓનાં સ્વાસ્થ્યની સાથે-સાથે લોકોના આરોગ્ય સામે પણ હવે જોખમ ઉભું થવા પામ્યું છે. ત્યારે અનેકો વખતની રજૂઆતો બાદ સફાળે જાગેલા GPCBનાં અધિકારીઓ દોડતા થયા હતા અને ત્રણ જેટલી ઇન્ડસ્ટ્રીઝમાં પાણીના સેમ્પલો લઈ દેખાવ કરવામાં આવ્યો હતો.
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ છોડવામાં આવે છે
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામે આવેલ સુખરામ ટેક્સટાઇલ પાર્ક, ઇકો ટેક્સટાઇલ પાર્ક,ઓમ ટેક્સટાઇલ પાર્ક સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. પહેલા આ મિલોની આસપાસ આવેલી ખાડીઓ તેમજ કોતરમાંથી ખેતી લાયક પાણી વહેતુ હતું. જે ખાડીઓમાં આજે માત્ર લાલ રંગનું કેમિકલ વહી રહ્યું છે. આજે છેલ્લા ઘણા મહિનાઓથી આ કેમિકલ યુક્ત પાણી પરબથી ઉંભેળ તળાવમાં ભળે છે. ખાડી તેમજ તળાવના આસપાસના વિસ્તારમાં પીવા લાયક પાણી, પશુઓને પીવડાવવા માટે પાણી તેમજ ખેતીમાં પણ આજ પાણી નો ઉપયોગ થઈ રહ્યો છે. આવું દૂષિત પાણી આવતા લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું છે. ખેડૂતો ,પશુપાલકો તેમજ સ્થાનિક રહીશો દ્વારા આ પ્રશ્ને અનેકો વખત રજુઆત બાદ આખર GPCB નું તંત્ર જાગ્યું હતું. અને માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી ત્રણ જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી કેમિકલ યુક્ત પાણી વહેતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.
GPCBનાં અધિકારીને જાણ બાદ તેઓની વિઝીટ સમયે શુદ્ધ પાણી ખાડીમાં વહેતુ થયું : ચેતન પટેલ, ખેડૂત
છેલ્લા 5 દિવસથી પરબ ખાતેથી વહેતી ખાડીમાં લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી વહેતું થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેમિકલ યુક્ત પાણી મામલે સ્થાનિક ખેડૂત દ્વારા GPCBનાં અધિકારીને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક સ્થળ વિઝીટ કરવા જણાવ્યું હતું. જોકે બીજે દિવસે સવારે 11 વાગ્યે વિઝીટ કરવા આવવાનું જણાવી ફોન મૂકી દીધો હતો. રાતોરાત કેમિકલ યુક્ત પાણી વહેતુ બંધ થઈ ગયું હતું અને અધિકારીઓ 11 વાગ્યે આવે તે પહેલાં શુદ્ધ પાણી વહેતુ થયું હતું. જોકે ખાડીનું પાણી તળાવમાં ભળતા તળાવમાં લાલ પાણી જોવા મળ્યું હતું. જેને લઈ GPCB એ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.