કડોદરા ખાતે CNG કટ પાસેથી પોલીસે એક રિક્ષામાંથી દારૂના જથ્થા સાથે એક કિશોર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે. વાપીથી બેગમાં દારૂ પલસાણા આવ્યા બાદ રિક્ષા ભાડે કરી આ જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ તેમજ રિક્ષા મળી કુલ રૂ, 47,303 ના મુદ્દામાલ સાથે મહિલા અને કિશોર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે.
કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ ગતરોજ બંદોબસ્તમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે એક રિક્ષામાં મહિલા તેમજ બે પુરુષો દારૂ ભરી સુરત જનાર છે. જે હકીકતના આધારે કડોદરા પોલીસ સ્ટાફના માણસોએ CNG કટ નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની રિક્ષા નંબર GJ-05-XX-4310 આવતા અટકાવી હતી અને તપાસ કરતાં તેમાંથી દારૂના 479 પાઉચ રૂ. 27,303નો જથ્થો મળી આવ્યો હતો.
આ દારૂ સાથે એક કિશોર તેમજ મહિલા ઊર્મિલાદેવી, રાહુલભાઈ રાજમણી યાદવ તથા ગિરધારી જાદવને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમ્યાન આ દારૂ વાપીથી ભરી ટ્રકમાં બેસી પલસાણા સુધી લાવ્યા હતા અને ત્યાંથી રિક્ષા ભાડે કરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યા હતા. આ દારૂ સોનુંને ભરાવ્યો હતો તેમજ દારૂ મંગાવનાર સુરત શહેરના ગોલવાડ ખાતે રહેતા મુકેશને કડોદરા પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.