સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ રેલવે સ્ટેશન ખાતે માલગાડીની બોગીના પૈડાંનાં ભાગે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ થી સુરત તરફ જતી રેલવે લાઇનનાં અપ ટ્રેક પરથી પસાર થતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. જે ઘટના બાબતે ગેટ મેન દ્વારા કીમ રેલવે સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના તળી હતી. જોકે 1 કલાકથી વધુ ટ્રેન કુદસદ નજીક અટકાવી રાખતા ટ્રેન વ્યવહાર પર ભારે અસર થવા પામી હતી.
અધિકારીઓ તાત્કાલીક સ્થળ પર પહોંચ્યા
અમદાવાદથી સુરત તરફ જતી અપટ્રેક રેલવે લાઇન પરથી પસાર થતી એક માલગાડીનાં પૈડાંનાં ભાગે અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. માલગાડીમાં કોલસો ભરેલો હતો. જે માલગાડી સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાના કુદસદ નજીકથી પસાર થતા સમયે આ ઘટના બની હતી. દરમિયાન કુડસદ નજીક આવેલ રેલવે ફાટક પર ફરજ બજાવતા ગેટમેનની સતર્કતાનાં પગલે મોટી દુર્ઘટના ટળી હતી. ગેટમેને માલગાડીના પૈડાંનાં ભાગે આગ લાગેલી જોઈ તે વાતની જાણ કીમ રેલવે સ્ટેશન ખાતે કરતા માલગાડીને જે તે સ્થળે થંભાવી દેવામાં આવી હતી. અને રેલવે વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
ટ્રેન વ્યવહાર ખોરવાયો
માલગાડીમાં કોલસો ભરેલો હોઈ જેથી કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે ટ્રેનનાં એન્જીન સાથે એક તરફની બોગીઓ કિમ તરફ અને બીજી તરફની તમામ બોગીઓ શાયણ તરફ લઈ જવાઈ હતી. અને આગ લાગેલા બોગીને સ્થળ પર રાખી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે માલગાડીનો ડબ્બો 1 કલાકથી પણ વધુ સમય અપટ્રેક પર રહેતા ટ્રેન વ્યવહાર પર ભારે અસર જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.