સુરત જીલ્લાના બારડોલીમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટી ન ધરાવતી 48 કોમર્શિયલ ઈમારતોમાં ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. સતત 3 દિવસથી ચાલતી કાર્યવાહી દરમિયાન 500થી વધુ દુકાનો સીલ કરાતા ખડબડાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ પાલીકાના શાસક દ્વારા જ દુકાનોના સીલ તોડાવી દુકાનો શરૂ કરાવી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
સુરત જીલ્લાનો વડુંમથક ગણાતા બારડોલી ખાતે ફાયર વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત 3 દિવસથી ફાયર વિભાગની ટીમે નગરમાં ડ્રાઈવ કરી ફાયર સેફ્ટી ન ધરાવતી 48 જેટલી કોમર્શિયલ ઈમારતોમાં 500થી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રોજી રોટી બંધ રહેતા આજે દુકાન ધારકો નગર પાલીકા ખાતે પહોંચ્યા હતા અને ફાયર અધિકારી તેમજ શાશકોને રજુઆત કરી હતી. જો કે ફાયર અધિકારી પી.બી. ગઢવીએ ફાયર સેફ્ટી વિના કોઈપણ દુકાનો ખોલવા માટેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. તો બીજી તરફ વોર્ડ નંબર 1 માં આવેલી સિનિયર સિટીઝન હોલ નજીક શિવાની રેસીડેન્સીમાં સીલ કરવામાં આવેલી દુકાનોના સીલ તોડી નાખવામાં આવ્યા હતા. રેસીડેન્સીનાં વહિવટ કરતા નગર સેવક જીજ્ઞેશ રાઠોડના ઈશારે સીલ તોડાયા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે.
દુકાનોના સીલ તોડાતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી બારડોલી ફાયર વિભાગ દ્વારા 48 જેટલી કોમર્શિયલ ઈમારતોમાં 500થી વધુ દુકાનોને સીલ કરવામાં આવ્યું છે. દરમિયાન આજરોજ શીવાની રેસીડેન્સીમાં આવેલી અમુક દુકાનોના સીલ દુકાનદારો દ્વારા તોડવામાં આવ્યા છે. જે મામલે ફાયર અધિકારીને જાણ થતા ફાયર વિભાગની સુરત ખાતે આવેલી ફાયર વડી કચેરીએ મુખ્ય અધિકારીઓને જાણ કરવામા આવી છે. તેઓની સુચના પ્રમાણે કાર્યવાહી કરવાનું પણ નક્કી કરાયું હોવાનુ પણ ફાયર અધિકારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.