પલસાણા તાલુકામાં આવેલ પેપર મિલમાં ગતરોજ રાત્રીના સમયે આગ લાગવાની ઘટનાં બની હતી. મિલમાં પેપર રો મટીરીયલનાં ગોડાઉનમાં આગ લાગતા આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ઘટનાને પગલે 6 જેટલી અલગ અલગ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 12 થી 13 કલાકની જહેમત બાદ ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. હાલ પણ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
13 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં તુલસી પેપર મિલ નામની કંપની આવેલી છે. જે મિલમાં ગતરોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પેપરનાં રો મટીરીયલનાં સ્ટોરેજ ગોડાઉનમાં આગ લાગી હતી. જોકે આગ એટલી બધી વિકરાળ લાગી ચુકી હતી કે, બારડોલી, સુરત, નવસારી, વ્યારા, ગણદેવી તેમજ કિમની ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી. તમામ ફાયરની ટીમની લગભગ 12થી 13 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. હાલ પણ કુલિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સદનસીબે આટલી મોટી આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. તો બીજી તરફ આગમાં કરોડો રૂપિયાનું રો મટીરીયલ બળીને ખાખ થઈ જવા પામ્યું છે. હાલ આગ કયા કારણો સર લાગી છે તે હજુ અકબંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.