બુધવારની રાત્રિના સમયે બારડોલી તાલુકાના મોરી ઉછરેલ ગામે દીપડો કોલી ફળિયામાં રહેણાંક વિસ્તારમાં આવી ઘરના વાડામાંથી મરઘીનો શિકાર કરી પલાયન થઈ ગયો હતો. ઘટના અંગે ગ્રામજનોને જાણ થતાં ભયનો માહોલ છવાયો છે. તેમજ પાંજરુ ગોઠવવા માટે વનવિભાગને લેખિત અરજી કરી છે. બારડોલી તાલુકાના ઉછરેલ મોરી ગામે કોલી ફળિયામાં રહેતા ભૂલાભાઈ મગનભાઈ હળપતિ ખેત મજૂરી કામ કરે છે. બુધવારની રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ભૂલાભાઈના ઘરના વાડામાં બનાવેલ છાપરીમાં મરઘાનો અવાજ આવતા ભૂલાભાઈ જાગી પજારીમાં જોતા એક કદાવર દિપડાએ મરઘીને દબોચી લીધી હતી.
ભૂલાભાઈએ દીપડાનો પ્રતિકાર કરતાં દીપડો મરઘીને લઈ તાપી નદી તરફ જતો રહ્યો હતો. ત્યાર બાદ ફરી ચાર વાગ્યાની આસપાસ ફરી મરઘાનો અવાજ આવતાં ભૂલાભાઈએ ઘરમાંથી બેટરી ચાલુ કરતાં દીપડો મરઘીને લઈને શેરડીના ખેતરમાં પલાયન થઈ ગયો હતો. ભૂલાભાઈએ ગામમાં જાણ કરતા ગામના રહીશો એ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ જતિન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડ ઘટના સ્થળે જઈ શેરડીના ખેતરમાં તપાસ કરતા દીપડાના પગના પંજાના નિશાન અને મરઘીના પીછા જોવા મળ્યા હતા.
ગામમાં દીપડા દ્વારા રહેણાંક વિસ્તારમાં આવી મરઘીનો શિકાર કરતા લોકોમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. જેથી ગામના સરપંચ દ્વારા વનવિભાગને પાંજરુ ગોઠવી દીપડાને ઝબ્બે કરવા માટે લેખિત રજૂઆત કરી છે. જે જગ્યાએ દીપડો મરઘીનો શિકાર કરી ગયો છે તે જગ્યાએ જતિન રાઠોડ દ્વારા કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
અગાઉ પણ અહીંથી દીપડો પકડાયો હતો
અંદાજિત 4-5 વર્ષ અગાઉ આજ જગ્યાએથી દીપડાએ મરઘીનો શિકાર કર્યો હતો. ત્યારબાદ પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું અને દીપડો પાંજરે પુરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.