ભાસ્કર વિશેષ:96 ગામોના ખેડૂતો નુકસાન અંગે પોર્ટલ પર અરજી કરી શકશે

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન વર્ષે ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની રાહત પેટે કૃષિ રાહત પેકેજ જાહેર

રાજ્યમાં ખરીફ-2022 ઋતુમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાકોને થયેલા નુકસાન સામે રાહત પેટે રાજય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યો હતો. ખેતી નિયામકશ્રીની દરખાસ્ત હેઠળ SDRF અને રાજ્ય બજેટમાંથી ‘કૃષિ રાહત પેકેજ’ આપવાને મંજૂરી આપી છે. જે અંતર્ગત સુરત જિલ્લાના ચાર તાલુકાના 96 ગામોને આવરી લેવાયા છે. જેથી આ ગામોના ખેડૂતોએ જરૂરી પુરાવા સાથે 1/11/2022 થી તા.25/11/2022 દરમિયાન કૃષિ રાહત પેકેજ મેળવવા ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

સહાય માટે લાભાર્થી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE/VCE મારફત સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. સહાયની ચુકવણી માટેના ગામોમાં SDRFના તમામ માપદંડો જળવાય તેમજ અહેવાલમાં જણાવેલ ગામોમાં એકંદર ખેત વિસ્તાર અથવા ખેડૂત ખાતેદારોના પ્રમાણમાં 15 % અથવા તે કરતા વધારે પ્રમાણમાં SDRFના માપદંડો મુજબ ખેડૂતનું વ્યક્તિગત ધોરણે 33 % કરતા વધારે નુકસાન થયેલું સુનિશ્ચિત કરવામાં આવશે.

ખેડૂતોને કેળ સિવાયના તમામ અસરગ્રસ્ત પાકોને બિન પિયત પાક ગણી SDRFના ધોરણો મુજબ રૂ.6800 /- પ્રતિ હેક્ટર, કેળ પાકના વિસ્તારને પિયત ગણી SDRF ધોરણો મુજબ રૂ.13500/ પ્રતિ હેકટર તેમજ રાજય બજેટમાંથી રૂ.16500/- પ્રતિ હેક્ટર એમ મળી કુલ રૂ.30,000/- પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4000 કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.4000/ ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ ચૂકવવામાં આવશે.

લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8 અ, તલાટીનો વાવેતરનો દાખલો, ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ કિસ્સામાં સંયુકત નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો ‘ના વાંધા અંગેનો સંમતિ પત્ર’ ે વિગતો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર VCE/VLE મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ખેડૂતોએ અરજી કરવા કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. તેમજ અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઇશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે NIC ને પૂરી પાડવાની રહેશે. આ પેકેજ હેઠળ સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ એક લાભાર્થી તરીકે ગણવામાં આવશે અને ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તમામ ખેડૂતો પૈકી એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઈટ એક્ટ (FRA) હેઠળ નોટીફાઇડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર (સનદ) મેળવેલ હશે તેવા ખેડૂતને પણ લાભ મળશે. વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે...