ભાસ્કર સ્ટિંગ:દિવ્ય ભાસ્કરે તસ્કરી કરનારને રૂપિયાની લાલચ આપતાં જ ઝૂંપડાંમાંથી હરણનાં બે બચ્ચાં લઈ આવ્યો; નજીક ઊભેલી વનવિભાગની ટીમે દબોચી લીધો

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરી કરાતી હતી એ ચોસિંગા હરણોનો શિડ્યૂલ -1 શ્રેણી હેઠળ સંરક્ષિત પ્રાણીઓમાં સામેલ

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં દુર્લભ જાતનાં હરણોની સોદાબાજી કરનારાઓ રંગેહાથે ઝડપાયા છે. આ સોદાબાજીની જાણકારી મેળવ્યા બાદ દિવ્ય ભાસ્કર અને વન વિભાગે સંયુક્ત ઑપરેશન પાર પાડીને હરણોનો વેપલો કરનારાઓને ઝડપી પાડ્યા હતા. નૉનવેજ ભોજનના શોખીનોને આ હરણો વેચી દેવામાં આવતાં હતાં. દિવ્ય ભાસ્કરની ટીમે તસ્કરોની હિલચાલ પર નજર રાખી પુરાવા એકત્ર કર્યા હતા.

વન વિભાગે બંને હરણનાં બચ્ચાંને હેમખેમ રેસ્ક્યૂ કર્યાં.
વન વિભાગે બંને હરણનાં બચ્ચાંને હેમખેમ રેસ્ક્યૂ કર્યાં.

બે બચ્ચાં રેસ્ક્યૂ કરાયાં
રવિવારે દિવ્ય ભાસ્કર અને વન વિભાગની ટીમ તાપી જિલ્લાના ખેરવાડા ગામમાં પહોંચી હતી અને હરણ માટે રૂપિયાની લાલચ આપતા આરોપીએ તાત્કાલિક 2 હરણનાં બચ્ચાં બતાવતાં રેસ્ક્યૂ કર્યાં હતાં, જ્યારે ઘરમાં બચ્ચાંને ગેરકાયદે રાખનારની ધરપકડ કરી હતી. અગાઉ ભાસ્કરની ટીમે ખેરવાડાના ગામતળાવ ફળિયામાં અતિદુર્લભ હરણ મળતું હોવાની માહિતી જિલ્લા ડીસીએફ આનંદકુમારને આપી હતી. એ પછી આરએફઓ અશ્વિના પટેલ, આરએફઓ અનિલ પ્રજાપતિ સહિતના અધિકારીઓની ટીમ સોમવારના રોજ ખેરવાડા રેન્જના ગામમાં પહોંચી હતી.

બે હરણના 10 હજાર રૂપિયા માગ્યા હતા
દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ, વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરએફઓ સાથે રહી જે ઘરમાં શિડ્યૂલ વનમાં આવતું હરણ રાખવામાં આવ્યું હતું. તસ્કરોએ એક હરણ પેટે 5 હજાર એમ બે હરણ માટે 10 હજાર રૂપિયાની માગણી કરી હતી. માંડ 6 માસના નર અને માદાં હરણને લઈને આવતાં જ બન્ને બચ્ચાંનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ વન વિભાગના અધિકારીએ ગેરકાયદે હરણનાં બચ્ચાં રાખનાર તસ્કરની પણ ધરપકડ કરી હતી. બચ્ચાંને વન વિભાગની કચેરી સિંગલવાન ખાતે લાવી એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને બચ્ચાં અંદાજિત 6 માસનાં અને ચોસિંગા પ્રજાતિનાં હોવાનું જાણવા મળ્યું છે. બન્ને બચ્ચાં સ્વસ્થ્ય છે. જરૂરી પ્રક્રિયા બાદ હરણને વનમાં પરત કરી દેવાશે, જ્યારે આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કરની કામગીરી સરાહનીય
નિર્દોષ પ્રાણીઓના વેપાર અંગે દિવ્ય ભાસ્કર દ્વારા વન વિભાગની ટીમને સાથે રાખી બે ચોસિંગા હરણ બચાવ્યાં છે, એ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. ટીમે સતત સંકલનમાં રહી ઓપરેશન સફળ કર્યું હતું. - આનંદકુમાર, ડીસીએફ, વ્યારા

6 માસના હરણનાં આ બે બચ્ચાં મિજબાની કરવા વેચવાનાં હતાં!
માત્ર 6 માસના હરણનાં નર અને માદા બચ્ચાં તસ્કરે પૈસાની લાલચમાં આપ્યાં હતાં. બન્ને હરણ ચોસિંગા જાતિનાં હતાં. હરણનાં આ બચ્ચાં નૉનવેજ શોખીનોની મિજબાની માટે વેચાતાં હતાં.

વેપલો કરનારા તસ્કરોએ કહ્યું - અહીંની ચિંતા છોડો, તમે માત્ર વન ખાતાનું ફોડી લેજો
દિવ્ય ભાસ્કર અને વન વિભાગની ટીમ હરણનો ગેરકાયદે વેપલો કરતા પરિવારના ઘરે ગયા, ત્યારે હરણની જોડી હોવાનું જણાવતાં થોડા રૂપિયાની લાલચ આપતાં જ તૈયારી બતાવી હતી. અહીં કોઈ વન વિભાગને જાણ કરી દે અને પકડી લે એવું બને નહિ, એમ પૂછતાં તસ્કરે કહ્યું, અમારા વિસ્તારની ચિંતા છોડી દો, તમારે વન ખાતાનું ફોડી લેવાનું. જેના પરથી લાગ્યું કે આ વિસ્તારમાં લોકો ચોરીછૂપીથી ગેરકાયદે વન્યપ્રાણીનો વેપલો કરતા હોવાનું જણાયું હતું.

પૈસાની લાલચ આપતાં જ ઘરમાંથી હરણની જોડી લઈને આવ્યા
ગામતળાવ ગામમાં ટીમ પહોંચી, ભીમસિંગ વસાવાના ઘરમાં હરણ હોય, ઘરે જઈ પૂછતાં પહેલાં હરણ શેરડીના ખેતરમાં ચરવા ગયાં હોવાની વાત કરી હતી, ત્યાર બાદ રૂપિયાની લાલચ આપતાં જ તરત જ બે હરણનાં બચ્ચાં ઘરમાંથી બહાર લઈ આવ્યાં હતાં અને બીજાં હરણ પણ મળી જશે, અહીં ઘણા લોકો આવે છે. ફોટા પણ પાડીને નીકળી જતાં હોવાનું પણ વાત વાતમાં જણાવ્યું હતું.

શિડ્યૂલ એટલે શું? કયા પ્રકારે નક્કી થાય છે વન્ય પ્રાણીના શિડ્યૂલ
જંગલમાં લુપ્ત થતાં વન્ય પ્રાણીઓના હિસાબે એની શિડ્યૂલ કેટેગરી નક્કી થાય છે. ગુજરાતમાં એકદમ જૂજ વસતિ ધરાવતા વન્ય જીવોને શિડ્યૂલ 1માં વન્ય પશુ સંરક્ષણ કાયદા મુજબ નક્કી કરવામાં આવે છે. ગુજરાતમાં શિડ્યૂલ 1 શ્રેણીમાં આવતાં પ્રાણીઓમાં ચોસિંગા હરણ, વાઘ, કસ્તુરી હરણ, કાળિયાર જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ વન્યજીવોની સંખ્યા અત્યંત ઓછી હોવાથી એના રક્ષણ અને માવજત માટે તેમને શિડ્યૂલ 1માં રાખવામાં આવે છે.

શિડ્યૂલ 1ની કેટેગરી ધરાવતાં પ્રાણીની તસ્કરી માટે શું હોય છે સજાની જોગવાઈ
શિડ્યૂલ 1ના પ્રાણીને મારવા કે તસ્કરી કરતાં ઝડપાયેલી વ્યક્તિને ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ વન્યજીવો સુરક્ષા ધારા 1972 મુજબ રાખવામાં આવી છે, સાથે ઓછામાં ઓછો 10 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. - સચિન ગુપ્તા, સબ ડીએફઓ, વ્યારા.