બારડોલી તાલુકાના કડોદ ગામે મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલ ટાંકી બન્યાને થોડા જ દિવસોમાં ગળતી થઈ ગઈ હતી, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી પાણી ગળતરને કારણે કિંમતી પાણીનો વ્યય થઈ રહ્યો છે. ઉનાળાના સમયમાં પાણીનો વ્યય થવો એ ચિંતાજનક બાબત છે. આ અંગે ગ્રામ પંચાયતના સત્તાધીશો યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.
હાલ ઉનાળાની સિઝન મધ્યાહને હોય તેમ તાપમાન છેલ્લા ઘણા દિવસોથી 40 ડિગ્રીને પાર છે. કાળઝાળ ગરમીમાં લોકોની હાલત દયનીય બની જાય છે. આવા દિવસોમાં પાણીની તાતી જરૂર ઊભી થાય છે. ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની ખેંચ પડતી થઈ જાય છે.
આવા વિસ્તારોમાં પાણીની અછત ઊભી થતાં પાણીનું એક એક ટીપુ બચાવવા માટે લોકો મહામહેનત કરે છે. ત્યારે કડોદ ગામમાં આનાથી ઉલટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કડોદના મુખ્ય રોડ એવા સરદાર પટેલ માર્ગની બાજુમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાણીની ટાંકી બન્યાને થોડા જ સમયમાં તેમાંથીે લિકેજી શરૂઆત થઈ ગઈ હતી. તેમાંથી ચોવીસ કલાક પાણીનુ ગળતર થતું રહે છે. જેના કારણે હજારો લિટર કિંમતી પીવાનું પાણીનો વ્યય થાય છે.
વર્ષોથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવ છતાં શાસકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામગીરી કરી ન હતી. હાલ ઉનાળાના સમયમાં પાણીની જરૂરીયાત વધુ રહે છે ત્યારે આ પાણીની ટાંકીનું રિપેરિંગ કરાવી પાણીનો વ્યય થતો અટકાવે એવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે. કડોદમાં આવેલી પાણીની ટાંકીમાંથી લિકેજ બંધ કરવા માટે કડોદ ગ્રામ પંચાયતના સત્તાધીશો યોગ્ય ધ્યાન આપે એ જરૂરી બન્યું છે.
પાણી પડતા ટાંકી નીચે ગંદકીનો ફેલાવો
છેલ્લા ઘણા વર્ષોથી પાણી લીકેજ થતા ટાંકીની નીચે ગંદકી જોવા મળે છે. ટાંકીમાંથી પડતું પાણીને કારણે કાદવ કીચડને કારણે ગંદકી થઈ રહી છે.
રિપેરિંગ કરાવાશે
ટાંકીમાં લિકેજ ઘણા સમયથી છે, જેને રિપેર કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ટાંકીનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે જેથી લિકેજનો પ્રશ્ન હલ થઈ જશે. > ધ્વનિ ભાવસાર, ડે.સરપંચ, કડોદ ગ્રામ પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.