173-ડાંગ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ડાંગની બેઠક માટે મુખ્ય પક્ષના ઉમેદવારોએ પોતપોતાની દાવેદારી નોંધાવી દીધી છે અને ફોર્મ ચકાસણી સહિતની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે ડાંગ જિલ્લામાં 6 ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ચૂંટણીની અસર દેખાઈ રહી છે.
ડાંગ જિલ્લામાં હવે ખાટલા બેઠક અને ઓટલા બેઠક શરૂ થઈ ગઈ છે. મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત કોને આપવો છે તે તરફ વિચારવા માંડ્યા છે. ચૂંટણીને લઇ અમુક ગામોમાં ગરમાવો છે તો સુબીર વિસ્તારના લોકો હજુ અનાજ કાપણીમાં વ્યસ્ત છે. દિવ્ય ભાસ્કરની ટીમે આ અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ શરૂ કર્યો છે. ડાંગ જિલ્લામાં ચૂંટણીને લઈ કેવો માહોલ છે તે ઘરબેઠાં તમને જણાવીશું.
બોરખલ (તા.આહવા)
ભાજપ કોંગ્રેસ કોઇ આવ્યું નથી
750 મતદાતા ધરાવતા બોરખલ ગામમાં હજુ પાર્ટીઓની બેઠકો શરૂ થઈ નથી. આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષિત યુવાઓના સંપર્ક કરાઈ રહ્યો છે, ભાજપ અને કોંગ્રેસ હજુ મેદાને આવ્યું નથી. 50% મતદાતાઓ શેરડી કાપવા, મજૂરી કામ માટે બહાર ગયા છે. જેને લઇ મતદાન પર તેની અસર દેખાશે.
સુબીર (તા.સુબીર)
લોકો શેરડી કાપવા નીકળી ગયા છે
2000 મતદાતા હાલમાં ચૂંટણીનો માહોલ દેખાતો નથી. 50 થી 60 ટકા લોકો શેરડી કાપવા નીકળી ગયા છે, બાકી ઘરે રહ્યા છે તે ડાંગર,નાગલી, વરાઈ સહિતના અનાજ કાપવામાં વ્યસ્ત છે. થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના વાયદાથી લોકો આકર્ષાયા હતા અને સુબીર વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો માહોલ જોવા મળતો હતો પરંતુ આયાતી બીજા જિલ્લાના ઉમેદવારને ટિકિટ ફાળવાતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે .
વઘઇ (તા.વઘઇ)
તાપી નર્મદા લીંગ પ્રોજેક્ટથી લોકોમાં રોષ
વઘઇ કોંગ્રેસનો ગઢ રહ્યું છે પરંતુ વઘઈ એપીએમસીમાં અસુવિધાઓના લીધે વેપારીઓ નારાજ છે. હાલમાં ધારાસભ્યના બદલાયેલા વલણના લીધે લોકોમાં અસંતોષ છે. તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટથી લોકોમાં ગુસ્સો છે. કોંગ્રેસના મુકેશ પટેલ લોકોની સાથે રહ્યાં હતા, જેને લઇ વઘઈમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીના એંધાણ વર્તાઇ રહ્યાં છે. જેને લઇ બેઠકનો દોર શરૂ થઈ ગયો છે.
હનવતચોંડ (તા.આહવા)
આખુ ગામ બે ભાગમાં વહેંચાયેલું છે
હનવતચોંડ હાલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર વિજય પટેલનું ગામ હોવા છતાં ગામમાં 50% ભાજપ અને 25-25 ટકા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મત મળવાનું જણાય રહ્યું છે. ગામના જ ધારાસભ્ય હોવા છતાં ગામનો એટલો વિકાસ થયો નથી એવો ગણગણાટ લોકોમાં છે.જેને લઇને એક ચોક્કસ વર્ગમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
શામગહાન (તા.આહવા)
આ વખતે ત્રિપાંખીયો જંગ સ્પષ્ટ છે
યંગ જનરેશનને પોતાના તરફ કરવા પાર્ટીનું એડીચોટીનું જોર ચાલુ રહ્યું છે.લોકો આ વખતે બદલાવ લાવવાના મુડમાં છે. ત્રણે પાર્ટીઓ લોકોનો સંપર્ક કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઓટલા બેઠક નહીં પરંતુ જાહેર સભા સંબોધીને લોકોને પોતાની તરફ વાળવાના પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે ત્રણે પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.