મહુવા તાલુકાના ડુંગરી ગામે શેરડી કાપણી દરમિયાન દીપડાના 4 બચ્ચા નજરે પડતા ખેત મજૂરો ભયભીત બની ગયા હતા. બે બચ્ચા શેરડીના ખેતરમાં અંદર જતા રહ્યા હતા જ્યારે બહાર રહી ગયેલ બે બચ્ચાને પણ ખેડૂત તેમજ ખેત મજૂર દ્વારા શેરડીના ખેતરમાં અંદર છોડી મુકયા હતા.
દીપડાના બચ્ચા મળ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો બચ્ચા જોવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મંગળવારે સવારે મહુવા તાલુકાના ડુંગરી ગામે આંબાવાડી ફળિયામા રહેતા ખેડૂત મુકેશભાઈ ચૌધરીના ખેતરમા બિયારણ માટે શેરડી કાપણી ચાલી રહી હતી.
તે દરમિયાન અચાનક દીપડાના 4 બચ્ચા નજરે પડયા હતા.જે જોઈ પ્રથમ તો શેરડી કાપતા મજૂરો ભયભીત બની ગયા હતા. જોકે ખેતરમાં દીપડો કે દીપડી ન હોવાથી મજૂરોએ રાહતનો દમ લીધો હતો. ખેત મજૂરોના જણાવ્યા મુજબ દીપડીના બચ્ચા અંદાજીત 10 થી 15 દિવસના હતા. ચાર બચ્ચા પૈકી બે બચ્ચા ખેતરમાં અંદર જતા રહ્યા હતા, જ્યારે બાકીના બે બચ્ચા બહાર રહી ગયા હતા, જેમને પણ બાજુના ખેતરના માલિક અમીતભાઈ ભાવસાર દ્વારા સહી સલામત ખેતરની અંદર મૂકી દેવામા આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.