નવસારીનો મુખ્ય આરોપી ફરાર:સુરત જિલ્લા ભાજપ પ્રમુખનાં ફોટા વાઈરલ પ્રકરણમાં ડમી સીમકાર્ડ બનાવનારની અટકાયત

બારડોલી25 દિવસ પહેલા

સુરત જિલ્લા ભા.જ.પા પ્રમુખ સંદીપ દેસાઈના ફોટા વાયરલ થવાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ડમી સીમ કાર્ડનો ઉપયોગ કરી ષડ્યંત્ર રચનાર પેકી એકની સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે ધરપકડ કરી છે . જ્યારે મુખ્ય સૂત્રધાર હિરેન ગુણવંત દેસાઈ ફરાર છે.

ગત 23 ઓગસ્ટના રોજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખનાં સ્વિમિંગ પૂલમાં મહિલા સાથે ન્હાતા હોય એવા ફોટા નીચે લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે અંગે ભારે વિવાદ થયો હતો. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા અને ત્યારે જ આ ફોટો વાઇરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. જેથી ભાજપ પ્રમુખે બારડોલી પોલીસ મથકમાં આ સમગ્ર મામલે અરજી આપી હતી. જે અરજી આધારે બારડોલી પોલીસ તપાસ કરતા જે નંબરથી ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા તે નંબરને લઈ તપાસ કરતા નંબર અન્ય કોઈ ગ્રાહક સાથે છેતરપિંડીથી એક્ટિવ કરી ગુનેગારોને આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ભાજપ પ્રમુખને બદનામ કરવાનું કાવતરું કરવામાં સંડોવાયેલા મુખ્ય આરોપી નવસારીનો હિરેન ગુણવંત દેસાઇ જ્યારે સંદીપ લોધી તેમજ અન્ય એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નં. GJ-05-JH-7980 માં આવેલ અજાણ્યા ઈસમ મળી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો . તપાસ દરમિયાન એરટેલ કંપનીના નવા સીમ એક્ટિવ કરવાનું કામ કરનાર સંદીપકુમાર રામઅવતાર લોધીએ નવસારીનાં હિરેનભાઈ ગુણવંતભાઈ દેસાઈના કહેવાથી એક ગ્રાહકનાં નામે મોબાઈલ સીમ એક્ટિવ કર્યો હતો. જે સીમકાર્ડનો ઉપયોગ સંદિપ દેસાઈના ફોટા વાયરલ કરવામાં વાપરવામાં આવ્યો હતો.

હાલ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે સંદીપ લોધીની અટકાયત કરી છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરત જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ ચરમ સીમા એ છે. જોકે સમગ્ર પ્રકરણમાં હિરેન દેસાઈ કોણ છે અને કોના કહેવાથી કે શા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું એ હિરેન દેસાઇની ધરપકડ બાદ જ હકીકત બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...