ઉમરપાડા તાલુકાના વાડી ગામના વાડી ફળિયામાં થોડા મહિનાઓ પહેલાં જ મુકવામાં આવેલી પાણીની ટાંકી અચાનક ફાટી જતાં કામ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર સરકારી અધિકારીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. 15માં નાણાપંચ સહિત વિવિધ યોજનાઓ હેઠળ ગામમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા સરકારી તંત્ર દ્વારા થોડા સમય પહેલાં જ વાડી ગામના નગીનભાઈ કુમાભાઇ વસાવાના ઘર સામે પાણીની ટાંકી મૂકવામાં આવી હતી, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ હલકી કક્ષાના મટીરીયલ વાળી પાણીની ટાંકી અચાનક ફાટી ગઈ હતી.
આ ઘટના સવારના સમયે મહિલાઓ પાણી ભરી રહી હતી. ત્યારે બની હતી જેથી એક તબક્કે પાણી ભરી રહેલી મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. વાડી સહિતના સંખ્યાબંધ ગામોમાં પીવાના પાણીની યોજના હેઠળ આ જ પ્રમાણે હલકી કક્ષાનું મટીરીયલ વાપરી પીવાના પાણીની ટાંકી મૂકવામાં આવી છે. ત્યારે સમગ્ર તાલુકામાં તપાસ કરવામાં આવે તો આવી જોખમી ટાંકીઓ મૂકવાના અનેક કિસ્સાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે. કોન્ટ્રાક્ટરો અધિકારીઓની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ કામો તાલુકા કક્ષાએથી સીધા કરવામાં આવે છે.,જેથી સરકારી તંત્રના અધિકારી અને કામ રાખનાર એજન્સીની સીધી જવાબદારી આવે છે. ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી ભ્રષ્ટાચાર આચરનારાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠી છે.
આ બનાવ બનતા જ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવાએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે તાલુકા વિકાસ અધિકારીને આ ઘટના સંદર્ભેની જાણ કરી છે. કામ રાખનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માગણી કરી હતી. તેમજ ભર ઉનાળાના સમયે ફળિયા વાસીઓને તાત્કાલિક ધોરણે પીવાનું પાણી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.