રોજિંદો પ્રશ્ન:કોરોનાકાળમાં બંધ ST હજી શરૂ ન થતાં મુશ્કેલી

કડોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી બંધ બારડોલી-માંડવી બસ ફરી શરૂ ન કરતા મુસાફરો ત્રાહિમામ

બારડોલી એસટી ડેપો દ્વારા કોરોના કાળ બાદ ઘણી બસો બંધ કરી દેવામાં આવી હતી. જે સ્થિતિ નિયંત્રણમાં આવી હોવા છતાં પણ ચાલુ ન કરતાં મુસાફરો, નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગ હાલાકી ભોગવી રહ્યાં છે. બંધ થયેલી બસ શરૂ કરવામાં આવે અને મસાડ- બારડોલી બસનો સમય બદલવામાં આવે એવી માંગ કરતી લેખિત અરજી સુરત ડીસી તથા બારડોલી ડેપો મેનેજરને કરી છે.

કોરોના કાળમાં ઘણી બસો બંધ કરી દેવામાં આવી હતી. જે પૈકી બારડોલી- માંડવી બસ બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પરથી ઉપડતી હતી. જે બંધ કરી દેતા કડોદ સહિત મસાડના મુસાફરો હાલ હાલાકી ભોગવી રહ્યાં છે. આ સમયે નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગોએ સુરતથી આવતી બસોનો સહારો લેવો પડે છે. જે બસો પહેલાથી જ ફૂલ થઈને આવતી હોવાથી બસમાં મુસાફરી કરવું અઘરું પડે છે.

આ ઉપરાંત બારડોલી લિયનર બસ સ્ટેન્ડ પરથી પહેલા મસાડ બારડોલી બસ 5.35 કલાકે ઉપડતી હતી. જેનો સમય બદલીને 6.10નો કરવામાં આવ્યો છે. જે બસ ઉપડે તે પહેલા જ મુસાફરો અન્ય બસોમાં રવાના થઈ જતા હોય છે. જેથી આ બસનો લાભ મુસાફરો લઈ શકતા નથી. મુસાફરોને પડતી હાલાકી અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં એસટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરીથી બારડોલી ડેપો મેનેજર અને સુરત ડીસીને 50થી વધુ મુસાફરોએ સહી કરી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...